મોરબી તાલુકાના મકનસર ગામે પડોશમાં રહેતા મોટાભાઈની દીકરીને તેના પતિ મારકુટ કરતો હોય ત્યારે ભત્રીજીને છોડાવવા વચ્ચે પડેલ કાકાને જમાઈ તથા જમાઈના ભાઈ દ્વારા ઢીકાપાટુનો માર મારી લાકડાનો ધોકો માથામાં ફટકારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા બનાવ મામલે ભોગ બનનાર દ્વારા બંને આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૧૯/૦૮ના રોજ તાલુકાના મકનસર ગામે વાદીપરામાં રહેતા જાલમનાથ રાજુનાથ પઢીયાર ઉવ.૪૦ પોતાના ઘરે હોય ત્યારે રાત્રીના પડોશમાં રહેતી કારુંબેન નામની ભત્રીજી અને તેના પતિ ઠાકોરનાથ બાબુભાઇ સોલંકી વચ્ચે કોઈ ઝઘડાને કારણે દેકારો થતો હોય ત્યારે જાલમનાથ પડોશના ઘરમાં જઈ જોતા પોતાની ભત્રીજીને તેનો પતિ માર મારતો હોય જેથી જાલમનાથ દ્વારા ભત્રીજીને માર મારતા છોડાવી હતી જેથી ઉશ્કેરાયેલા જમાઈએ જાલમનાથને અપશબ્દો બોલી લાકડાનો ધોકો માથામાં ફટકાર્યો હતો અને જમાઈના ભાઈ ભૂપતનાથ બાબુભાઇ સોલંકીએ જાલમનાથને એક ઝાપટ મારી હતી. ત્યારે જમાઈ દ્વારા ધમકી આપી હતી કે પતિ-પત્નીના ઝઘડામાં હવે ક્યારેય વચ્ચે પડીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ચાલ્યો ગયો હતો. ત્યારે બનાવ બાદ જાલમનાથ દ્વારા આરોપી ઠાકોરનાથ બાબુભાઇ સોલંકી અને ભૂપતનાથ બાબુભાઇ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.