મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીક રીક્ષામાં પેસેન્જર આડેથી કેમ ભરી જાઓ છો તેમ કહી પ્રૌઢ રીક્ષા ચાલકને અન્ય બે રીક્ષા ચાલક શખ્સો દ્વારા ઢીકા પાટુનો આડેધડ માર મારી હાથમાં પહેરવાના કડાથી પ્રૌઢનું માથું ફોડી નાખી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ઘાંચીવાડાના વતની હાલ મચ્છોનગર(રફાળેશ્વર)રહેતા ભીખાભાઇ નાજાભાઈ ચૌહાણ ઉવ.૫૨ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી કાળુભાઇ પરબતભાઇ ભરવાડ તથા ભુરાભાઇ પરબતભાઇ ભરવાડ રહે.બંને પલાસ તા.વાંકાનેરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી ભીખાભાઇ પેસેન્જર ઓટોરીક્ષા ચલાવતા હોય ત્યારે ગઈ તા.૦૮/૧૨ના રોજ બપોરના અરસામાં તેઓએ સરતાનપર હાઈવે ચોકડી પરથી એક પેસેન્જરને પોતાની ઓટોરીક્ષામાં બેસાડતા ત્યાં રીક્ષામાં પેસેન્જરો બેસાડવાના વારામાં રહેલા આરોપીઓએ ફરીયાદીને કહેલ કે “અમે કયારૂના પેસેન્જરના વારામાં રીક્ષાયુ લઈને બેઠા છી તમે કેમ આડેથી અમારા વારાના પેસેન્જર ભરી જતા રહો છો“ નુ કહેતા ફરીયાદીએ “મે રીક્ષા સ્ટેન્ડથી આઘેથી પેસેન્જર ભરેલ છે તેમા તમને શું વાધો છે ? ” નુ કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાય જઇ ભીખાભાઈને જેમતેમ ભૂંડાબોલી ગાળો દઇ તેમની જાતી પ્રત્યે જાહેરમાં જેમતેમ શબ્દો બોલી જાતિ પ્રત્યે હડધુત કરી ઝઘડો કરી ભીખાભાઈને શરીરે, માથામાં, છાતીમાં, વાસામાં અને મોઢા ઉપરના ભાગે માર મારી મુંઢ ઇજાઓ કરી તેમજ આરોપીઓએ તેઓના હાથમાં પહેરેલ ધાતુના કડાનો હથીયાર તરીકે ઉપયોગ કરી ઘાતુના કડાથી માથામાં મારી માથુ ફોડી નાખી ઇજા પહોંચાડી હતી. જે સમગ્ર બનાવ સંદર્ભે ભીખાભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.