મોરબી શહેરમાં રખડતી ગાયો પકડવાની કાર્યવાહી દરમિયાન મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ સાથે પોતાની ગાયો છોડાવવા ઝઘડો તથા બીભત્સ ગાળો ભાંડી, ધક્કામુકી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો છે. આરોપીઓએ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાના આરોપ સાથે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી શહેરમાં રખડતી ગાયો પકડવાની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના ઢોર પકડ કર્મચારીઓ અને પોલીસ સાથે ગાળા ગાળી તથા ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી કિશનભાઈ ગોગરા અને ભરતભાઇ ગોગરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૧, ૨૨૪, ૩૫૨, ૩૫૧(૩), ૨૮૧ અને ૫૪ મુજબ ફરિયાદ નોંધાઈ છે. જેમાં મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા ફરિયાદી વિપુલભાઈ લખમણભાઈ છૈયા ઉવ.૨૯ એ નોંધાવેલ ફરિયાદમાં જાહેર કર્યું કે, ગઈકાલ તા.૨૩/૧૨ના રોજ મોરબી સામાકાંઠા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન ઉમા ટાઉનશીપ સામે રોડ પરથી ગાયો ટ્રોલીમાં ચડાવ્યા બાદ આરોપી કિશનભાઈ બુલેટ મોટરસાયકલ લઈને પુરઝડપે આવી ટ્રોલીમાં બુલેટ સાથે ઉપર ચડી ગયો હતો અને ગાયો ઉતારવાની માંગણી કરી હતી. ત્યારે મહાનગરપાલિકાનો હુકમ હોવાનું સમજાવતાં આરોપી ઉશ્કેરાઈ ગયો અને બીભત્સ ગાળો આપવા લાગ્યો હતો. આ ઉપરાંત પોલીસ કર્મચારી વચ્ચે પડતાં આરોપીએ તેમની સાથે પણ બેહૂદું વર્તન કરી યુનિફોર્મ પકડી ધક્કા માર્યા હતા, બાદમાં આરોપીએ પોતાના પિતા આરોપી ભરતભાઈને ત્યાં બોલાવ્યા હતા અને બંને આરોપીઓએ મળીને કર્મચારીઓ અને પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ગાયો છોડાવવાનો પ્રયાસ કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









