મોરબીમાં ટાઇલ્સના ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારી યુવકે ધંધામાં રૂપિયાની જરૂરિયાત પૂરી કરવા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ચમડાતોડ વ્યાજે રૂપિયા લીધા હોય. ત્યારે વેપારી યુવક દ્વારા પોતાના ધંધામાંથી જેમ રૂપિયા આવતા જય તેમ વ્યાજની રકમ ચૂકતે કરવા છતાં વ્યાજખોરો દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય જેથી કંટાળી જઈ પરિવારના સભ્યોના કહેવાથી આખરે વેપારી યુવકે પાંચેય વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા વેપારી યુવક વ્યાજખોરોના ત્રાસથી ઘરેથી કોઈને કીધા વગર ચાલ્યા ગયા હોવા અંગેની તેમના પિતા દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ અવધ-૪ સોસાયટીમાં રહેતા અને લાલપર ગામે સીરામીક પ્લાઝામાં ટાઇલ્સ ટ્રેડિંગની ઓફીસ ધરાવતા ગૌરવભાઇ દલસુખભાઇ કાવર ઉવ.૨૫એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સંજયભાઇ બોરીચા રહે.ગામ-ફડસર, મહેશભાઇ રબારી રહે.શનાળા, નરેશભાઇ ઠાકોર રહે.શનાળા, ભરતભાઇ બોરીચા રહે.મોરબી, જયદીપભાઇ બોરીચા રહે.મીતાણા તા.ટંકારા સામે ફરિયાદ નોંધાવી ફરિયાદમાં જણાવ્યું કે ઉપરોક્ત પાંચેય વ્યાજખોરો પાસેથી ગૌરવભાઈએ વ્યાજે રૂપીયા લીધેલ હોય જે વ્યાજે લીધેલ રૂપીયાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમની તેમજ ચુકતે નહી કરેલ વ્યાજના રકમની માંગણી કરતા હોય અને હવે ગૌરવભાઈ પાસે રૂપીયા ન હોય જેથી વ્યાજ આપી શકતા ન હોય ત્યારે આ તમામ વ્યાજખોરો ગૌરવભાઈને અવાર નવાર ફોન કરી તેમજ જ્યાં ભેગા થાય ત્યાં ગૌરવભાઈ પાસે રૂપીયાની ઉઘરાણી કરી અપશબ્દો આપતા હોય જેથી આ પાંચેય આરોપીઓ વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી જેના બદલામાં ગૌરવભાઈની સહીવાળા કોરા ચેક લઇ અવારનવાર ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય ત્યારે આખરે આ તમામ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના ત્રાસથી કંટાળી ગયેલ ગૌરવભાઈએ પિતા દલસુખભાઇ તથા કાકા જગદીશભાઇ મગન ભાઈ કાવર તથા કુટુંબી મોટાબાપુ રમેશભાઈ દેવજીભાઈ કાવરને વાત કરતા તમામ પરિવારના સભ્યોને જાહેવાથી પાંચેય વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે પાંચેય આરોપીઓ સામે ગેરકાયદે નાણા ધીરધારનો ધંધો અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.