લઈ લીધેલ મોબાઇલ પરત મેળવવા બેફામ ઢીકાપાટુનો માર મારવા બાબતે લાગી આવતા મૃતક યુવકે ગળેફાંસો ખાઈ કર્યો હતો આપઘાત
વાંકાનેરમાં નવજીવન સોસાયટીમાં રહેતા યુવકને ચાર લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો જે બાબતે યુવકને લાગી આવતા તેને પોતાની જાતે ગળેફાંસો ખાતી પોતાની જિંદગીનો અંત આણ્યો હતો, ત્યારે પોતાના ભાઈને મરવા મજબૂર કરનાર ચારેય આરોપીઓ સામે મૃતકના ભાઈ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર મીલ પ્લોટ હાઉશીંગમાં મકાન નંબર ઇ/૫- ૨૦૫ માં ભાડેથી રહેતા મુળ વાંકાનેર નવજીવન સોસાયટીવાળા કિરીટભાઇ રમેશભાઇ દલસાણીયા ઉવ.૩૭ એ આરોપી નરેશભાઇ ડાયાભાઇ ચાવડા,અભિભાઇ નરેશભાઇ ચાવડા, નરેશભાઇનો બીજો દિકરો રહે.બધા-શિવાજીપાર્ક અમરસિંહજી મીલ સામે, વાકાનેર જી.મોરબી તથા નરેશભાઇના બનેવી દિનેશભાઇનો દિકરો રહે.શાંતિવન સોસાયટી, મીલ પ્લોટ વાકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ ફરીયાદીના ભાઇ ભાવેશભાઈ દલસાણીયાએ આરોપીઓનો મોબાઇલ લઇ લીધેલ તે બાબતે ઉપરોક્ત આરોપીઓએ એકસંપ કરી મૃતક ભાવેશભાઇને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી મોબાઇલ પાછો આપી દેવા દુખ ત્રાસ આપતા હોય જે બાબતે લાગી આવતા ગઈ તા.૦૩/૦૧ના રોજ ભાવેશભાઇએ પોતાની જાતે પોતાના મકાનમાં ગળેફાંસો ખાઇ લેતા મરણ જતા સમગ્ર બનાવ મામલે મૃતકના ભાઈ દ્વારા ઉપરોક્ત ચારેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાના ભાઈને મરવા મજબુર કર્યા અંગેની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.