મોરબીના ઘુનડા રોડ ઉપર રહેતી રહેતી ૨૪ વર્ષીય યુવતીએ મહેસાણાના પિલુદ્રા ગામના તેના દસ્તાવેજી લગ્ન કરી લીધેલ પતિ સામે વીડિયો-ફોટા વાયરલ કરવાની, જાનથી મારી નાખવાની ધમકી અને વોટ્સએપ પર ગાળો આપવાની ફરિયાદ અત્રેના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ ૩૫૨ અને ૩૫૧(૩) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરના ઘુનડા રોડ ધર્મભક્તીનગર ૨૦૧ દેવ હિલ્સમાં રહેતા ધ્રુવીબેન પ્રકાશભાઈ પટેલ ઉવ.૨૪એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી હર્ષ ભરતભાઇ પ્રજાપતિ રહે.પિલુદ્રા મહેસાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૧૯ દરમિયાન સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે તેમનો પરિચય ઉપરોક્ત આરોપી હર્ષ પ્રજાપતિ સાથે થયો હતો. શરૂઆતમાં મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો અને ફોન, વોટ્સએપ તથા ઇન્સ્ટાગ્રામ દ્વારા સતત સંપર્કમાં હતા. આ દરમિયાન આરોપીએ તેમના સાથેના કેટલાક વીડિયો પોતાના મોબાઇલમાં ઉતાર્યા હતા. જે બાદ તા.૨૦ મે ૨૦૨૪ના રોજ ચાંદખેડા ખાતે દસ્તાવેજ ઉપર સહી કરીને લગ્ન કર્યા હતા. ત્યારબાદ આરોપી હર્ષ પ્રજાપતિ યુવતીને વારંવાર ફોન કરી જાનથી મારી નાખવાની તેમજ વીડિયો-ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો. તેમજ વોટ્સએપ પર ભુંડી ગાળો આપતો હતો. આ સાથે પૈસાની માંગણી કરી યુવતી પાસેથી ૪૦ થી ૫૦ હજાર સુધીની રકમ પણ લીધી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









