ટંકારા તાલુકાના લજાઈ ગામે ગ્રામ પંચાયતના સભ્ય ઉપર ગામના જ એક ઇસમે છરી વડે હુમલો કરીને સાથળના ભાગે ઇજા પહોચાડતા તેઓને પ્રાથમિક સારવાર ટંકારા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાંથી ભોગ બનનારે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા હસમુખભાઈ જીવાભાઈ ચાવડા ઉવ.૫૨ એ આરોપી ગૌતમભાઈ ભલાભાઈ સારેસા રહે. લજાઈ ગામ તા.ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા મુજબ, હસમુખભાઈ ગ્રામ પંચાયતના સભ્ય છે, ત્યારે ગત તા.૧૮/૦૭ના રોજ તેમના મિત્ર પંકજભાઈ મસોત સાથે લજાઈ ગામના સ્મશાન પાસે ચાલી રહેલ ગટરના કામ સબબ વાતચીત કરી રહ્યા હોય તે દરમિયાન ઉપરોક્ત આરોપી ગૌતમભાઈ ત્યાં આવી કહેવા લાગ્યો કે, ‘ કોણ છે તારો સાહેબ’ જેના ઉત્તરમાં હસમુખભાઈએ કહ્યું કે, ગ્રામ પંચાયત જઈને તપાસ કરી લ્યો એમ જનવતાની સાથે જ આરોપીએ પોતાના પાસે રહેલ છરી કાઢી હસમુખભાઈને સાથળ ના ભાગે છરીનો એક ઘા મારી દીધો હતો, ત્યારે બાજુમાં ઉભેલ પંકજભાઈએ વચ્ચે પડી વધુ મારથી છોડાવી હસમુખભાઈને સારવાર અર્થે ટંકારા સરકારી દવાખાના બાદ વધુ સારવારમાં મોરબી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલ ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે