વિડિયો વાયરલ થતા પોલીસે તપાસ કરીને ગુનો નોંધ્યો.
વાંકાનેર શહેરથી જકાતનાકા તરફ જતા રોડ ઉપર ફોર વ્હિલ જેમાં મહિન્દ્રા થાર, સ્વીફ્ટ સહિત ત્રણ ગાડીઓમાં પેલેસ્ટાઈન ધ્વજ તેમજ લીલા કલરના મોટી સાઈઝના ધ્વજ લગાડી બેફિકરાઇથી વાહન હંકારતા એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો અંગે પોલીસે તપાસ કરીને ત્રણેય ફોર વ્હીલ વાહન ચાલકો સામે બીએનએસ કલમ ૨૮૧ અને ૧૨૫ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ભવાનસિંહ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તા. ૨૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ત્રણ ફોર વ્હિલ ગાડીઓ વાંકાનેર શહેરમાંથી જકાતનાકા તરફ જતી હોય જે ત્રણેય કારમાં પેલેસ્ટાઈન અને લીલા કલરના મોટી સાઈઝના ધ્વજ(ઝંડા) ફરકાવતી જતી હતી. ત્યારે વાંકાનેર પોલીસે વાયરલ થયેલ વિડિયો તપાસતા જાણવા મળ્યું કે, ત્રણ ગાડીઓમાં મહિન્દ્રા થાર જીજે-૦૩-એમએચ-૫૫૧૦, મારુતિ સ્વિફ્ટ જીજે-૦૩-પીડી-૯૨૧૧ અને એક અજાણ્યા નંબર પ્લેટ વગરની કાર સામેલ છે. ગાડીઓના બોનટ પર મોટી સાઇઝના પેલેસ્ટાઈન દેશનો રાષ્ટ્ર ધ્વજ અને લીલા રંગના ધ્વજ લગાડવામાં આવ્યા હતા અને જાહેર ટ્રાફિકમાં વાહન ચલાવી લોકોના જીવને જોખમમાં મુકયા હતા. ત્યારે
આ ગુનાહિત બેદરકારીના કારણે પોલીસ દ્વારા ત્રણેય વાહનચાલકો વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૨૮૧ અને કલમ ૧૨૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.