દીકરાઓની હેરાનગતિ બાબતે કહેતા પાડોશી બે શખ્સો પરિવાર ઉપર તૂટી પડ્યા, ચારને ઇજા.
વાંકાનેર તાલુકાના જોધપર ગામે દીકરાને હેરાન કરવામાં આવતા હોવાના મુદ્દે પાડોશીને વાત કરતા, પાડોશી બે ભાઈ લાકડીઓ લઈને આવી પાડોશી પરિવાર ઉપર હુમલો કરતા ચાર લોકોને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદને આધારે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના જોધપર ગામે ગત તા.૨૧/૦૨ના રાત્રે પાડોશી પરિવાર ઉપર હિંસક હુમલો થયો હતો. આ મામલે રીઝવાનભાઈ માહમદભાઈ શેરશીયા ઉવ.૪૦ રહે.જોધપર ગામ તા. વાંકાનેર વાળાએ આરોપી અબ્દુલભાઈ હુસેનભાઈ શેરશીયા અને મકબુલભાઈ હુસેનભાઈ શેરશીયા રહે. જોધપર ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત બન્ને આરોપીઓના દીકરાઓ ફરીયાદીના દીકરાને અવારનવાર હેરાન કરતા હતા. આ મુદ્દે આરોપીઓ સાથે વાતચીત કર્યા બાદ રાત્રે ફરીયાદી ઘરે પરત આવ્યા ત્યારે બંને આરોપીઓ લાકડીઓ લઈને ફરીયાદીના ઘરે પહોંચી આતંક મચાવ્યો હતો. જેમાં આરોપીઓએ ફરીયાદીના પિતાને ધક્કો મારી પાડી દેતા તેમને ઇજા પહોંચી હતી, ફરીયાદીના હાથ પર લાકડી મારી ફ્રેક્ચર જેવી ઇજા જ્યારે ફરિયાદીના માતા તથા પત્નીને પણ લાકડી તેમજ ધક્કા મારી પાડી ડીને ઇજાઓ પહોચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપીને બન્ને આરોપીઓ ચાલ્યા ગયા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









