મોરબીમાં “જે.ડી. એન્ટરપ્રાઇઝ” નામની પેઢી ઉભી કરી સાયબર ફ્રોડ અને છેતરપીંડીથી મેળવેલ રૂ. ૯૨.૮૮ લાખની રકમ બેંક ખાતાઓ મારફતે સગેવગે કરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ બાબતે બે આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
મોરબી શહેરમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે પેઢી ઉભી કરી પૂર્વ આયોજનબદ્ધ કાવતરું રચવામાં આવ્યું હોવાનો ગંભીર ગુનો બહાર આવ્યો છે. આ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં બે આરોપીઓ જેમાં (૧)ઇસ્માઇલ હુસેનભાઇ કટીયા ઉવ.૩૨ રહે. મચ્છીપીઠ જુના બસ સ્ટેશન પાસે મોરબી તથા (૨)દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉવ.૨૫ રહે. અનંતનગર શેરી નં.૨ ઉમા ટાઉનશીપની બાજુમાં મોરબી-૨ વાળા બંનેએ સાથે મળીને પોતાના આર્થિક ફાયદા માટે સાયબર ફ્રોડ અને છેતરપીંડીથી મેળવેલ નાણાં સગેવગે કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આરોપી ઇસ્માઇલ હુસેનભાઇ કટીયાના નામે “જે.ડી. એન્ટરપ્રાઇઝ” નામની પેઢી ખોલાવી અને તેના નામે અલગ-અલગ બેંકોમાં એકાઉન્ટો ખોલવામાં આવ્યા હતા. આ એકાઉન્ટોમાં આરોપી દિવ્યરાજસિંહ જાડેજા તથા તેના સાગરિતોએ સાયબર ફ્રોડ અને છેતરપીંડીથી મેળવેલ કુલ રૂ. ૯૨,૮૮,૮૦૨/- ની રકમ તા. ૨૫/૦૩/૨૦૨૫ થી તા. ૩૦/૦૫/૨૦૨૫ દરમિયાન જમા કરાવી હતી. બાદમાં આ રકમ એ.ટી.એમ. તથા ચેક મારફતે ઉપાડી સગેવગે કરવામાં આવી હતી. બેંક એકાઉન્ટ ધારક આરોપી ઇસ્માઇલને કમિશનની લાલચ આપી તેના તમામ દસ્તાવેજો અને બેંક કિટ આરોપી દિવ્યરાજસિંહ પાસે રાખવામાં આવી હતી. આ રીતે તમામ આરોપીઓએ ગુનાહિત સિન્ડિકેટ બનાવી સાયબર ફ્રોડ અને છેતરપીંડી આચરી આર્થિક લાભ મેળવ્યો હતો. હાલ બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









