Saturday, January 31, 2026
HomeGujaratમોરબીમાં રખડતા ઢોર પકડ પાર્ટીને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી...

મોરબીમાં રખડતા ઢોર પકડ પાર્ટીને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી પકડેલા ઢોર બળજબરીથી છોડાવી જનાર બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ

મોરબી શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન મોરબી મહાનગરપાલિકાની ટીમ સાથે બોલાચાલી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખાખરેચી દરવાજા પાસે ફરજ બજાવતી પાર્ટીને બે ઇસમોએ ધક્કામુક્કી કરી બાંધેલા ઢોર છોડાવી લીધા હોવાના બનાવ અંગે બે આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, મોરબી મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ લખમણભાઈ છૈયાએ સીટી એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૦૯/૦૧/૨૦૨૬ના રોજ સવારે તેઓ પોતાની ટીમ સાથે ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા ખાખરેચી દરવાજા વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે ત્રણ ઢોર પકડી ટ્રોલીમાં ચડાવતા હતા ત્યારે આરોપી રાજુભાઇ દેવાભાઈ તથા આરોપી વિજયભાઈ મયાભાઈ રાતડીયા બન્ને રહે. ભરવાડ શેરી ખાટકી વાસ મોરબી વાળાએ પકડાયેલ ઢોર છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી તેને રોકતાં તેઓએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ બંનેએ મળીને મનપા કર્મચારીઓ સાથે બોલાચાલી અને ધક્કામુક્કી કરી બાંધેલા ઢોર છોડાવી ફરાર થઈ ગયા હતા.

બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે કર્મચારીઓએ બનાવનો વિડિયો ઉતારેલ હોવાથી તેની આધારે બન્ને આરોપીઓની ઓળખ કરી કાયદેસરની ફરજમાં અડચણ, ગાળો, ધમકી અને ધક્કામુક્કી સહિતની કલમો હેઠળ બંને આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!