મોરબીમાં આધેડ દ્વારા મકાન ની ખરીદી કરવા લીધેલા વ્યાજે નાણાની મુદ્દલ અને વ્યાજ પરત આપવા છતાં રૂ.૩ લાખના ૧૦ લાખનું લિસ્ટ મોબાઈલમાં મોકલી માનસિક ત્રાસ આપી તથા આ માટે પઠાણી ઉઘરાણી કરી માર મારવાની ધમકી આપતા બે વ્યાજખોર સામે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે નાણા ધીરધાર અધિનિયમ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, મૂળ સુ.નગર જીલ્લાના કેશરીયા ગામના વતની હાલ મોરબી શ્યામ સોસાયટી-૨ પંચાસર રોડ વાળા કમલેશભાઈ ઉર્ફે મહેશભાઈ મનુભાઈ માંડવીયા ઉવ.૪૬ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા રહે. મોરબી-૨ ઉમા ટાઉનશીપ તથા આરોપી લાલાભાઈ રહે.હરભોલે પાન મહેન્દ્રનગર ચોકડી મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરીયાદી કમલેશભાઈ ઉર્ફે મહેશભાઈને મકાન ખરીદવામાં રૂપિયાની જરૂરત હોય જેથી વર્ષ ૨૦૨૨માં આરોપી હર્ષદભાઈ પાસેથી માસીક ૩ ટકા લેખે રૂા.૩,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જેમાંથી રૂપિયા ૩,૪૫,૦૦૦/- મુડી તથા વ્યાજના રૂપિયા ફરીયાદીએ પાછા આપેલ હોય તેમ છતા આરોપી હર્ષદભાઈએ ફરિયાદીને તેમની દુકાન લક્ષ્મીનગર ગામના ગેટ પાસે અક્ષર પ્લાઝામાં ૩ એમ હેર સ્ટાઈલ નામની દુકાન પાસે બોલાવી રૂપિયાની ઉઘરાણી કરી તેમજ રૂ.૧૦,૨૪,૩૫૦/- મુડી તેમજ વ્યાજના રૂપિયા ફરિ.ને આપવાના બાકીનું લીસ્ટ ફરિયાદીના ફોનમાં વોટસેપમાં મોકલી આપ્યુ હોય. જ્યારે આરોપી લાલભાઈએ ફોન કરી ફરિયાદી પાસે આરોપી હર્ષદભાઇએ વ્યાજે આપેલ રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરી માર મારવાની ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.