વારંવાર બેરિકેટ તોડી ટોલ ભર્યા વગર ચાલ્યા જતા ડમ્પર ચાલક વિરુદ્ધ પણ ફરિયાદ.
વાંકાનેર તાલુકાના વઘાસીયા ટોલ પ્લાઝા પર સ્થાનિક શખ્સ અને એક ટ્રક ચાલક દ્વારા વારંવાર ટોલ ન ભરી બેરિકેટ ખસેડી ટ્રકો પસાર કરાવવાની, સ્ટાફ સાથે બોલાચાલી અને ધમકી આપવાની ઘટના સામે આવી છે. ટોલ પ્લાઝાના મેનેજરે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે મેનેજર મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ ઉવ.૩૭ રહે.સાઈનાથ એપાર્ટમેન્ટ વાંકાનેર મુળરહે. જિતન બિગહા ગામ તા. ફતેહપુર જી.અરવલ (બિહાર) વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી જયરાજસિંહ હરસિધ્ધિ હોટલ વાળા રહે. વાઘસિયા ગામ તા.વાંકાનેર તથા ડમ્પર રજી.નં. જીજે-૩૬-વ-૫૨૦૮ના ચાલક વિરુદ્ધ આપવામાં આવેલી ફરિયાદ મુજબ, ડિસેમ્બર ૨૦૨૫થી જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન અનેક વખત આરોપી જયરાજસિંહ દ્વારા ટોલની રકમ ચૂકવ્યા વગર ટ્રકો જબરદસ્તી પસાર કરાવવામાં આવ્યા હતા તથા ટોલ બુથના કર્મચારીઓ સાથે ગાળાગાળી, ધમકી અને બોલાચાલી કરતા હતા. જ્યારે બીજો આરોપી ડમ્પર ટ્રકનો ચાલક અવારનવાર પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી ટોલ બેરિકેટ તોડી ટોલ ભર્યા વગર નાશી જતો હતો. ત્યારે બન્ને આરોપીઓને ટોલ પ્લાઝના સંચાલક દ્વારા વારંવાર સમજાવવા છતાં, દાદાગીરી ચાલુ રહેતા અંતે પોલીસ ફરિયાદ કરાઈ છે. હાલ વાંકાનેર સીટી પોલીસે બન્ને આરોઈઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









