મોરબીની આરાધના સોસાયટીમાં થયેલ હત્યા પ્રકરણ મામલે ધોળા દિવસે મકાનમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા શખ્સે વૃદ્ધને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે
મોરબીના શનાળા રોડ પરના જી.આઇ.ડી.સી.સામે આવેલ આરાધના સોસાયટીમાં રહેતો પરિવાર લગ્નમાં ગયો હોવાથી ઘરે વૃદ્ધ દિનેશભાઇ અમૃતલાલ મહેતા એકલા હતાં. આ અંગે તે જ સોસાયટીમાં રહેતા પાડોશી જાણભેદુ કલ્પેશભાઇ ઉર્ફે ઘોઘાભાઇ મુળજીભાઇ કણજારીયાને જાણ હોય જેથી તેની એકલતાનો લાભ લઇ તેના ઘેર ચોરી કરવાના ઇરાદે દિવસ દરમ્યાન ઘરમાં પ્રવેશ કર્યો હતો. આરોપીએ ઘરમાં ઘુસી ખાંખાખોળા કર્યા બાદ ઘરમાં કાંઈ વસ્તુ ન મળતા દિનેશભાઇ મહેતા ઘેર હાજર હોય જેથી તેના માથામાં કોઇ તિક્ષણ અથવા બોથડ પદાર્થથી ત્રણ ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી આરોપી નાશી છૂટ્યો હતો.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત નીપજતા મૃતકના દીકરી નિમિષાબેન વિરલ શાહે(ઉ.વ.૩૧) આરોપી કલ્પેશભાઇ ઉર્ફે ઘોઘાભાઇ કણજારીયા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૮૦, ૪૫૪, ૫૧૧, તથા જી.પી.એ.કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.