મોરબીના નાની વાવડી ગામે રહેતા અને ગામમાં જ ગજાનંદ ફરસાણ માર્ટની દુકાન ધરાવતા રાકેશભાઈ શેઠ નામના વેપારીએ ધંધા માટે હાથ ઉછીના લીધેલા પૈસા પરત ન ચુકવી શકતા સતત ધાકધમકીથી કંટાળીને ગત તા.૨૮ ના રોજ પોતાની દુકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આ કેસમાં મૃતકના પત્નીએ ત્રણ શખ્સો વિરુદ્ધ પોતાના પતિને મરવા મજબૂર કર્યાની ફરીયાદ નોંધાવી છે.
મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં નાની વાવડી ગામે આવેલ ન્યુ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા દિપાલીબેન રાકેશભાઈ શેઠએ આરોપીઓ અમિત હસુભાઈ વ્યાસ, સુરેશ નંદલાલ ધામેચા દરજી, નેમિશ હરીશભાઈ માવડીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ ફરીયાદીના પતિને ધંધા માટે હાથ ઉછીના પૈસા આપેલ હોય અને તે પૈસા રાકેશભાઈ પાછા આપી શકેલ ન હોય. જેથી, આરોપીઓએ પોતાના પૈસા પાછા આપવા બાબતે ફોનમાં તેમજ રુબરુમાં ધાકધમકી આપી તેમજ બિભત્સ ગાળો આપતા ફરીયાદીના પતિને મરી જવા મજબુર કરતા આરોપીઓના ત્રાસના કારણે ફરીયાદીનાં પતિ કંટાળી જતા પોતાની રીતે દુકાનમાં ગળેફાંસો ખાઈ લીધો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.