હળવદ તાલુકાના ચરાડવા ગામે વેપારી યુવકને ઊંચા વ્યાજે રૂપિયા આપી તેની કડક ઉઘરાણી કરી પાંચ જેટલા વ્યાજખોર જાનથી મારી નાખવાની ધમકી આપી વેપારીને માનસિક ત્રાસ આપતા હોય જેથી કંટાળી વેપારી યુવકે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપી પાંચેય વ્યાજખોર સામે ગુજરાત નાણા ધીરધાર બાબત અધિનિયમ અને બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હળવદના ચરાડવા ગામે રહેતા કાળુભાઇ ઉર્ફે નાગજી રૈયાભાઈ ગમારા ઉવ.૨૫ કે જેઓ સીરામીક ટાઇલ્સ બનાવવા સ્લરી(રગડો) અલગ અલગ કારખાને લે-વેચનો વેપાર કરતા હોય ત્યારે આ ધંધામાં ખોટ આવતા તેને આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા, જયરાજભાઈ રાજેશભાઈ ઉર્ફે ચંદુભાઈ પઢીયાર, ધરમભારથી ભરતભારથી, પ્રતિકભાઈ મહેશભાઈ ગોસ્વામી તથા દિપકભાઈ જગદીશભાઈ બાવાજી બધા રહે. ચરાડવા ગામ તા.હળવદ વાળા પાસેથી અલગ અલગ સમયે ઊંચા વ્યાજે રૂ.૧૫.૩૦ લાખ લીધા હોય જે વ્યાજની કડક ઉઘરાણી કરી તેમજ બળજબરીપૂર્વક ફરિયાદી કાળુભાઇ પાસેથી બેન્કના સહી કરેલા કોરા ચેક લઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય, ત્યારે ફરિયાદીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી હળવદ પોલીસ મથકમાં તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે









