મોરબીના મુનનગર ચોકમાં બે સગા ભાઈઓ પોતાની પત્નીઓ સાથે વાતચીત કરી રહ્યા હોય તે દરમિયાન સ્થાનિક સોસાયટીના રહેવાસી એક મહિલા સહિત ત્રણ આરોપીએ આવી બંને ભાઈઓ સાથે બોલાચાલી કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે નોંધાયેલ ફરિયાદ બાબતે બંને ભાઈઓ પોતાની પત્નીઓ સાથે જાહેરમાં ઝઘડો કરતા હોય જેથી તેમ ન કરવા અટકાવવા ગયેલ સ્થાનિક સોસાયટીના ૬૦ વર્ષીય વૃદ્ધને ઉપરોક્ત ફરિયાદી બંને ભાઈઓ દ્વારા માર મારવામાં આવ્યાની નોંધાયેલ ફરિયાદની વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી રવાપર-ધુનડા રોડ શીવમ પેલેસ બ્લોક નં-૩૦૪માં રહેતા વિજયભાઇ ત્રીભોવનભાઇ સવસાણી ઉવ.૩૭ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી તરીકે રાજેન્દ્રભાઇ મોહનભાઇ દેત્રોજા, મીનાબેન વસંતભાઇ દેત્રોજા તથા આનંદભાઇ વસંતભાઇ દેત્રોજા રહે.બધા.ન્યુ ચંદ્રેશનગર મુનનગર ચોક મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૦૭/૧૧ના રોજ ફરિયાદી વિજયભાઈ તથા તેમના ભાઈ પીયુષભાઇ બંને મોરબી મુનનગર ચોકમાં જતા હતા ત્યારે બંને ભાઈઓ પોતાની પત્નીને ઉપરોક્ત સોસાયટીમાં જોઇ જતા બંને ભાઈઓ તેમની સાથે વાતચીત કરતા હોય ત્યારે ત્રણેય આરોપીઓ બંને ભાઈઓ પાસે આવી બોલાચાલી ઝઘડો કરી ભુંડીગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર બનાવ બાબતે ફરિયાદી વિજયભાઈ દ્વારા ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.