મોરબી તાલુકાના બે અલગ અલગ ગ્રામ્યમાં સગીર વયની દીકરીના અપહરણ અને બીજા કેસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને બનાવ અંગે ગુનો નોંધી આરોપીઓની અટક કરવા તપાસની તજવીજ શરૂ કરી છે.
પ્રથમ બનાવ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના એક ગામમાં ખેત શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે આરોપી સુરેશભાઈ ખલીયાભાઈ નાયકા રહે. મૂળ છોટાઉદેપુર જીલ્લાના ઉદવડેસીયા ગામ જેતપુર પાલી હાલ લક્ષ્મીનગરબતા.જી.મોરબી વાળાએ ગત તા.૦૩/૦૩/૨૦૨૩ થી ૦૭/૦૩/૨૦૨૩ સુધી અલગ અલગ સ્થળે લઈ જઈ સગીરાની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. બનાવની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ઉપરોક્ત આરોપી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવની મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબી તાલુકાના ગ્રામ્યમાં રહેતા ખેત શ્રમિક પરિવારની માત્ર ૧૫ વર્ષીય દીકરીનું કોઈ અજાણ્યો ઈસમ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયાનું સામે આવ્યું છે, ત્યારે પીડિતાના પરિવારજનોની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









