મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા તા.૦૨/૦૧/૨૦૨૬ થી તા.૦૮/૦૧/૨૦૨૬ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં અનધિકૃત અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીથી ટ્રાફિક સમસ્યા ઘટી અને જાહેર રસ્તાઓ ખુલ્લા બન્યા છે.
મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા શહેરને વ્યવસ્થિત અને ટ્રાફિકમુક્ત બનાવવા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ અન્વયે તા.૦૨/૦૧ થી તા.૦૮/૦૧ દરમિયાન મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લાલ બાગ, રવાપર રોડ તથા ક્રિષ્ના સ્કૂલ પાસે અનધિકૃત રીતે કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શનાળા રોડ, રવાપર રોડ અવની ચોકડી, વાવડી રોડ અને ગેંડા સર્કલ પાસેના દબાણો હટાવી જાહેર માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા હતા. અવધ વિસ્તારમાં શુક્રવારી દબાણ દૂર કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં આવી હતી.
આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા કેનાલ રોડ અને મહેન્દ્રનગર રોડ પર મહાનગરપાલિકાની મંજૂરી વગર લગાવવામાં આવેલા હોર્ડિંગ અને કિયોસ્ક દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ‘વન વીક વન રોડ’ અભિયાન અંતર્ગત બેઠા પુલ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર ઝુપડપટ્ટીનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના એસ્ટેટ અને દબાણ વિભાગ દ્વારા શહેરને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ટ્રાફિકમુક્ત બનાવવા આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે.









