મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરી
મોરબી શહેરમાં નર્સરી, પ્લેહાઉસ સ્કૂલો, કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્લાસ્ટિકના ડોમ લગાવવામાં આવે છે. ત્યારે આ પ્લાસ્ટિકના ડોમને કારણે વિદ્યુત ઉપકરણો કે કુદરતી આપદા સમયે કોઈ મોટી દુર્ઘટના ઘટવાની ભીતિને ધ્યાને લઈને આ પ્લાસ્ટિક ડોમ હટાવવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
મોરબી: પ્રમુખ દ્વારા કરવામાં આવેલ લેખિત રજુઆત કરીને જણાવ્યું કે હાલમાં મોરબી શહેરમાં ઘણી બધી નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં પ્લાસ્ટિકના ડોમ બનાવવામાં આવેલ છે. આ પ્લાસ્ટીકના ડોમ બનાવવાના કારણે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના જીવની સલામતી નથી. આવા ડોમ લગાવેલ નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં શોટ સર્કીટ કે અન્ય કારણોસર આગ લાગવાની પણ શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત કુદરતી આફતો જેવી કે વાવાઝોડાથી આવા ડોમના કારણે જાનહાની થઈ શકે તેમ છે. જો ભવિષ્યમાં આવા ડોમના કારણે તક્ષશિલા કે રાજકોટ ટી.આર.પી. ગેમઝોન જેવી દુર્ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ ?
જેથી મોરબી શહેરમાં નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં લગાવેલા પ્લાસ્ટીકના ડોમ તાત્કાલીક ધોરણે દુર કરવા આદેશ કરવાની માંગ સાથે અપીલ કરવામાં આવી છે. અંતમાં તેઓએ જણાવ્યું કે જો આ ડોમ દુર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના થશે તો તેની જવાબદારી આપ કચેરીની રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.