મોરબી શહેરમાં હાલના સમયમાં સમગ્ર શહેરના અમુક વિસ્તારો બાદ કરતાં ઠેર-ઠેર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવવાની સમસ્યા ચાલુ છે. ભૂગર્ભ ગટર મામલે અનેકો વખત રજૂઆતો કરવા છતાં ઉપરોક્ત સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં મોરબી નગરપાલિકા સરાજાહેર નિષ્ફળ ગઈ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી, ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા આરટીઆઇ હેઠળ ભૂગર્ભ ગટરને લગતા કામો અને તે સંદર્ભમાં મળેલ ગ્રાન્ટની સંપૂર્ણ માહિતીની માંગ કરવામાં આવી છે.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના કામો અને મળેલ જુદીજુદી ગ્રાન્ટને લઈ આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવી છે જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબી શહેરમાં ઉભરાતી ગટરોએ માજા મુકેલ છે. જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી રહી છે. જેથી ગટરને લગતા પ્રશ્નોને લઈ મોરબી નગરપાલીકાને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકાર સમયે ભુગર્ભ ગટરના કામ કાજ માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હતી ? તેમજ આ ગ્રાન્ટ થકી મોરબી શહેરમાં ભુગર્ભ ગટરના કયા કામો થયેલ છે ? જેની ખર્ચ સહિતની માહિતી, વર્ષ-૨૦૧૪ થી આજ દિન સુધી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ભૂગર્ભ ગટરના કામ માટે કુલ કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે ? તથા આ ગ્રાન્ટ થકી કરવામાં આવેલ કામો અંગેની માહિતી, પાલિકાના સ્વ ભંડોળમાંથી ભૂગર્ભ ગટરના કેટલા કામો થયા ? તેમજ હાલ ભૂગર્ભ ગટરના કામો માટે કેટલી ગ્રાન્ટ અસ્તિત્વમાં છે તેની માહિતી પૂરી પાડવા સહિતની માંગ કરવામાં આવી છે. જ્યારે અંતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત માહિતી નગરપાલીકા કચેરીને લગતી હોય, તેમજ લોકોની પ્રાથમિક સુવિધાને લગતી હોય જે દિન-૧૫માં પુરી પાડવા સહવિનંતી માંગ કરવામાં આવી છે.