મોરબી જિલ્લામાં વિજ બિલ વસૂલાતને લઈને ફરી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મોરબી જિલ્લા કોંગ્રેસ આગેવાન અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મહેશ રાજકોટીયાએ PGVCL સામે સામાન્ય જનતા અને સરકારી કચેરીઓ વચ્ચે ભેદભાવ રાખવાનો આક્ષેપ કરી તંત્રને કડક ચેતવણી આપી છે.
મહેશ રાજકોટીયાએ PGVCL ના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી સામાન્ય ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવારો પાસેથી બાકી વિજ બિલ વસૂલવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડું પણ બિલ મોડું થતા કનેક્શન તાત્કાલિક કાપી દેવામાં આવે છે. જોકે બીજી તરફ મોરબી જિલ્લાની નગરપાલિકાઓ અને સરકારી કચેરીઓના લાખો-કરોડો રૂપિયાના વિજ બિલ બાકી હોવા છતાં તેમની સામે નરમ વલણ દાખવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. “શું નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ છે?” એવો સવાલ ઉઠાવતા મહેશ રાજકોટીયાએ સરકારની નીતિ પર પ્રહાર કર્યા છે. અને રજૂઆત કરતા જણાવ્યું છે કે, નગરપાલિકા અને સરકારી કચેરીઓના બાકી વિજ લેણાંની જાહેર માહિતી બહાર પાડવામાં આવે, જો તેઓ બિલ ન ભરે, તો સામાન્ય ગ્રાહકોની જેમ જ તેમના પણ કનેક્શન કાપવામાં આવે, સામાન્ય ગ્રાહકોને વ્યાજ માફી અથવા હપ્તાની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી છે. રાજકોટીયાએ ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં આ ભેદભાવભરી નીતિ બંધ નહીં થાય, તો કોંગ્રેસ સમિતિ અને જનતા દ્વારા ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.









