ટંકારાનો છાપરીથી અમરાપર જતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસમાર હાલતમાં છે. અહીંથી પસાર થવું નાના વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે મુશ્કેલ બન્યું છે. ત્યારે આ રસ્તાઓને તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવે તેવી માંગ સાથે મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય ગોધાણી ભુપેન્દ્ર દામજીભાઈ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય ગોધાણી ભુપેન્દ્ર દામજીભાઈ દ્વારા ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, ઘણા સમયથી ટંકારા છાપરીથી અમરાપર જતા રસ્તા પર ગાયત્રીનગર સોસાયટી પાસે ડામર રોડ ઘણા સમયથી તૂટી ગયો છે. મસમોટા ખાડા થઈ ગયા છે. વરસાદ થવાથી પાણી પણ ભરાય છે. જેના કારણે નાના વાહન ચાલકો અને ચાલીને જય શકાતું નથી અને બાજુમાં ગાયત્રીનગર પ્રાથમીક શાળા આવેલ છે. સ્કુલના બાળકોને સ્કુલે જવામાં ઘણી બધી તકલીફ થાય છે અને અકસ્માત થવાનો ભય સતત રહે છે. તો આ ખાડા અને રસ્તો રીપેરીંગ કરવા માટે ગ્રામજનો દ્વારા ઘણી બધી મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પણ આજ દિન સુધી કોઈ પણ જાતની કામગીરી થયેલ નથી. તો તાત્કાલીક સ્થળ તપાસ કરીને રીપેરીંગ કરવા રજૂઆત કરવામાં આવી છે.