ગઈકાલે સવારે મોરબીથી ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે મોરબીના દરબારગઢથી શરૂ થયેલી આ ન્યાય યાત્રા બપોરે મોરબીના શનાળા પહોંચી હતી. જ્યાં શક્તિ માતાજીના મંદિરે દર્શન કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને રાત્રે ટંકારા ખાતે સભા યોજી રાત્રી પડાવ નાખ્યો હતો. જે બાદ આજે ન્યાય યાત્રાનું ટંકારાથી રાજકોટ તરફ પ્રસ્થાન થયું છે.
કોંગ્રેસ દ્વારા ગઈકાલથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં સર્જાયેલી રાજકોટ અગ્નિકાંડ, વડોદરા હરણી બોટ દુર્ઘટના, સુરત તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સહિત વિવિધ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસની ન્યાય યાત્રાનું ટંકારાથી રાજકોટ તરફ પ્રસ્થાન થયું છે, જે આજે રાજકોટના રતનપર નજીક પહોંચીને વિશ્રામ કરશે. તેમજ આવતીકાલે ન્યાય યાત્રા રાજકોટ પહોંચશે. અને રાજકોટમાં સંવેદના સભા યોજવામાં આવશે. ત્યારે હાલ ટંકારાના હરબટીયાળી ગામે ન્યાય યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ન્યાય યાત્રામાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કરી ન્યાય યાત્રા આગળ વધી હતી.