મતદાર યાદીમાં છેડછાડ અને ‘વોટ ચોરી’ના આક્ષેપો અંગે નિષ્પક્ષ તપાસની માંગ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવાની પણ રજૂઆત.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના ચૂંટણી પંચમાં કથિત અનિયમિતતાઓ, મતદાર યાદીમાં છેડછાડ અને સંસ્થાકીય દુરુપયોગના આક્ષેપો સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. કોંગ્રેસે દેશભરમાં આશરે ૯ કરોડ મતદારોના નામ કમી કરાયા હોવાનો આક્ષેપ કરી સમગ્ર મામલે નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના ચૂંટણી પંચની કામગીરી સામે વિવિધ આક્ષેપો સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મતદાર યાદીમાં કથિત છેડછાડ, ‘વોટ ચોરી’ અને સંસ્થાકીય દુરુપયોગના આક્ષેપોની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ બાબતે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર દ્વારા અન્ય કમિશનરોને અંધારામાં રાખીને એકપક્ષીય નિર્ણયો લેવામાં આવ્યા છે. દેશભરમાં અંદાજિત ૯ કરોડથી વધુ મતદારોના નામ કમી કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે અને આ પ્રક્રિયાથી એક રાજકીય પક્ષને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાની કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
આવેદનપત્રમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે મતદાર યાદીમાં અનધિકૃત રીતે નામ ઉમેરવા તેમજ સાચા મતદારોના નામ કમી કરવાની આશંકા વ્યક્ત કરી હતી. ઉપરાંત દિલ્હી સ્થિત સેન્ટ્રલ આઈટી સિસ્ટમના કેન્દ્રીકરણને કારણે સ્થાનિક અને રાજ્ય સ્તરની સ્વાયત્તતા પ્રભાવિત થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મોરબી કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ ન્યાયિક તપાસ કરાવવા, આ મુદ્દો દેશની સર્વોચ્ચ અદાલત અને રાષ્ટ્રપતિ સમક્ષ પહોંચાડવા તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હોદ્દા પરથી હટાવવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું.






