હળવદ શહેરી વિસ્તારમાં સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ અંગે હળવદ કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ નગરપાલિકાનાં ચીફ ઓફીસર તથા નગરપાલિકાનાં પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને સ્થાનિકોના વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ નહિ આવે તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.
હળવદ કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ નગરપાલિકાનાં ચીફ ઓફીસર તથા નગરપાલિકાનાં પ્રમુખને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, હળવદ શહેરી વિસ્તારમાં વિવિધ પ્રાથમિક સુવિધાને લગતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે. જેમાં હળવદ શહેરી વિસ્તારમાં દરેક વોર્ડમાં જેમાં ખાસ કરી વોર્ડ નં. ૧ અને વોર્ડ નં. ૭માં ઉભરાતી ગટરોની સમસ્યાનુ તાત્કાલીક નિરાકરણ કરવુ, હળવદ શહેરી વિસ્તારમાં અદાણી કંપની દ્વારા ગેસની લાઈન નાખવા માટે ખાડાઓ કરવામાં આવેલ તે ખાડાઓને તાત્કાલીક બુરાણ કરી પી.સી.સી. કરવા, હળવદના તમામ વોર્ડમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મીકસ થઈ આવતુ હોઈ જેનુ નિરાકરણ કરવું, હળવદ શહેરમાં અમુક વિસ્તારોમાં પીવાનું પાણીને ટેન્કર દારા પહોંચાડવા આવે છે. તેની જગ્યાએ કાયમી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી, હળવદ શહેરમાં મુખ્ય માર્ગ પર નડતર રૂપ દબાણો દુર કરી ટ્રાફીકની સમસ્યા હલ કરવી, ગેર કાયદેસર ચાલતી માસ, મટન, ઈંડાનું થતુ વેચાણ કાર્યવાહી કરી બંધ કરાવવું, ઐતિહાસિક સામતસર તળાવમાં શિવ એગ્રોની સામેની ઉભરાતી ગટનું ગંદુ પાણી તળાવમાં જાય તે તાત્કાલીક બંધ કરાવવુ, હળવદ શહેરના દરેક વિસ્તારમાં અનિયમિત સફાઈ થાતી હોય તે નિયમિત કરવી, હળવદ શહેરની બંધ સ્ટ્રીટ લાઈટો તાત્કાલીક ચાલુ કરાવવી તેમજ જયા જરૂર હોય ત્યા નવા વિજ પોલ નાખવા, હળવદ શહેર ના વોર્ડ નંબર-૧ તથા વોર્ડ નંબર-૭ વિકાસથી વંચીત હોય આ વિસ્તારમાં વધુમાં વધુ ગ્રાંટ ફાળવવી અને નવા રોડ-રસ્તા બનાવા મુદ્દે નિરાકરણ કરવા માટે આજ રોજ આ આવેદન આપી મુદ્દાઓનુ તા.૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં નિરાકરણ નહિ કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન અને ન્યાયના હિતમાં થતી કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે