મોરબી જિલ્લા કોંગ્રેસમા મોટાપાયે ભંગાણની સ્થિતિ સર્જાઈ રહી છે. તાજેતરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાના નામની જાહેરાત થયા બાદ પ્રમુખ તરીકે કાર્યરત જયંતી પટેલે રાજીનામું આપ્યું હતું.ત્યાર બાદ મહામંત્રી ,શહેર પ્રમુખ સહિત ત્રણ આગેવાનોએ રાજીનામું આપ્યું હતું તો હવે મોરબી જિલ્લા કોંગ્રેસના વધુ ત્રણ નેતાઓએ રાજીનામુ મૂકી દેતા કોંગ્રસના આઠ જેટલા જૂના જોગીઓ એ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ભાજપમાંથી આવેલા કિશોર ચીખલિયાની વરણી કરવામાં આવી હતી. જેના વિરોઘમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ મનસુખભાઇ રબારી તેમજ મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ રામભાઇ રબારી તેમજ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય કરસનભાઈ ભરવાડે કોંગ્રેસ પક્ષના તમામ હોદા તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.