કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રમેશભાઈ બી. રબારી દ્વારા આક્ષેપ લગાવાયો છે. તેમણે કહ્યું હતું કે, મોરબી વિધાનસભા ચૂંટણીમાં પક્ષના કાર્યકારી અધ્યક્ષ લલિતભાઈ કગથરાની બિન જરૂરી હસ્તક્ષેપના કારણે પક્ષે માન્ય કરેલ ઉમેદવારનું નામ નિયત સમયમાં જાહેર ન થતા મતદારો દ્વિધા અને અસમજસમાં પડી ગયા હતા પરિણામે આપણા પક્ષને ભારે નુકશાન થયેલ છે.
રમેશભાઈ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મોરબી – માળિયાની બેઠક માટે પક્ષનાં ઉમેદવારનું નામ જાહેર કરવામાં લલિતભાઈ કગથરાએ બિન જરૂરી વિવાદો અને અસમજસનું વાતાવરણ ઉભુ કરેલ, જેથી આપણા ઉમેદવાર અને કાર્યકરો અંત સુધી લોકોમાં કોંગ્રેસ તરફી વાતાવરણ ઉભું કરવામાં નિષ્ફળ ગયેલ. લલિતભાઈ આપણા ઉમેદવારનો વિરોધ્ધ કરતા હતા તેના કારણે આપણા પક્ષના કાર્યકરો નિરાશ—હતાશ થઈ ગયા હતા. જેના કારણે કાર્યકરો નિષ્ક્રીય થઈ ગયા હતા. સબબ અમારા માનવા અને જાણવા મુજબ આ બેઠક હારવામાં આપણા જ કાર્યકારી પ્રમુખ લલિતભાઈ કગથરાએ ભારે ભૂંડી ભૂમિકા ભજવેલ છે. જેની સખેદ નોંધ લેવી જરૂરી છે. લલિતભાઈ ચૂંટણી જાહેર થયા બાદ તુરત જ આપણા ઉમેદવાર વિરુધ્ધ વાતાવરણ બનાવેલ અને આપણે હારી ગયા છીએ. આવા આગેવાનો સામે શિક્ષાત્મક પગલા લેવા જોઈએ એવી અમારી માગણી અને લાગણી છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રમેશભાઈ બી. રબારીએ પત્રમાં જણાવ્યું હતું.