મોરબી મહાનગરપાલિકાના નવા સીમાંકન મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જીલ્લા ચુંટણી અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકામાં ભેળવાયેલા નવ ગામોને નગરપાલિકા સમયના જુના વોર્ડ સાથે જોડી રાખવાની માંગ ઉઠાવવામાં આવી છે.
મોરબી નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયા બાદ કરવામાં આવેલા નવા સીમાંકન સામે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વિરોધ નોંધાવી જીલ્લા ચુંટણી અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયું છે કે, મહાનગરપાલિકાના સીમાંકન સમયે જે નવ ગામોને શહેરી વિસ્તારમાં સામેલ કરવામાં આવ્યા છે, તે ગામોને નગરપાલિકા સમયના જુના વોર્ડ સાથે જ જોડવામાં આવે. અગાઉ જે વિસ્તારો પરસ્પર જોડાયેલા હતા, તેમને અલગ વોર્ડમાં નાખવાથી નાગરિકોને વહીવટી તથા લોકશાહી પ્રતિનિધિત્વમાં મુશ્કેલી ઊભી થશે. ઉદાહરણ તરીકે મોરબી-૨ વિસ્તારમાં આવેલ માળીયા-વનાળીયા વિસ્તાર હાલ સો-ઓરડી વિસ્તારમાં આવે છે, તો તે વિસ્તારને જે વોર્ડમાં સો-ઓરડીનો સમાવેશ થાય છે, તે જ વોર્ડમાં સમાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. આ રીતે સીમાંકન કરવામાં આવે તો સ્થાનિક લોકોની સુવિધા જળવાઈ રહેશે અને વોર્ડ વ્યવસ્થાપન વધુ સુચારુ બની રહેશે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.









