ટંકારાના નગર દરવાજાથી મેઈન બજારને જોડતા રોડનું ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને અન્ય આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતમાં નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કામ શરૂ થયાને મહિના વિત્યા પછી પણ કામ પૂરું ન થતા ઉપરાંત થયેલ કામમાં કાકરી દેખાઈ આવતા નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે લોકોની રજૂઆતો બાદ આખરે અધૂરો રહેલો રોડ નિર્માણનું કામ ફરી શરૂ. થયું છે.
ટંકારા શહેરના નગરનાકા વિસ્તારમાં લાંબા સમયથી અધૂરું રહેલું રોડ નિર્માણનું કામ આખરે ફરી શરૂ થયું છે. આ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દુલભજી દેથરીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શિયાળામાં કરવામાં આવ્યું હતું. જો કે, ત્યારબાદ કામગીરી અટકી પડતાં રોડનું અડધું નિર્માણ થયું હતું, જ્યારે બાકીનું કામ બાકી રહ્યું હતું. આ સ્થિતિથી શહેરના નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી. ટંકારાના જાગૃત સામાજિક કાર્યકર ઈશાભાઈ માડકીયાએ આ મુદ્દે તંત્ર સમક્ષ કડક શબ્દોમાં રજૂઆત કરી હતી. તેમની આ રજૂઆતના પગલે વરસાદની મોસમ પૂર્ણ થયા બાદ તંત્રએ તાકીદે રોડ નિર્માણની કામગીરી શરૂ કરી છે. આ પગલાંથી નાગરિકોમાં આશાનું કિરણ જાગ્યું છે. જોકે, અગાઉ બનેલા રોડના ભાગમાં કાકરા દેખાવા લાગ્યા હોવાની ફરિયાદો પણ સામે આવી છે, જે રોડની ગુણવત્તા અંગે ચિંતા ઉભી કરે છે. આ મામલે સ્થાનિક લોકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓએ આ રોડની ગુણવત્તાની સઘન તપાસ હાથ ધરવી જોઈએ અને ત્યારબાદ જ ઠેકેદારના બિલનું ચૂકવણું કરવું જોઈએ, જેથી નાગરિકોને ટકાઉ અને ગુણવત્તાયુક્ત રોડ મળી શકે.ટંકારાના નાગરિકો આશા રાખે છે કે આ રોડ નિર્માણનું કામ ઝડપથી અને ગુણવત્તા સાથે પૂર્ણ થશે, જેથી શહેરના ટ્રાફિક અને લોકોની અવરજવરમાં સરળતા આવશે.