દર ગુરૂવારે મોરબી જિલ્લાના ગ્રાહકોના હિતને લગતા કેસોની સુનાવણીની કામગીરી હાથ ધરાશે
નાગરિકોને ગ્રાહક તકરાર નિવારણ માટે કોઈ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર અને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગ સતત પ્રયત્નશીલ છે. ત્યારે મોરબી ખાતે કન્સ્યુમર કોર્ટનું રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ વી.પી. પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ વી.પી.પટેલે જણાવ્યું હતું કે, હાલ મોરબી જિલ્લાના ગ્રાહક તકરારને લગતા કેસની સુનાવણી રાજકોટ ખાતે કરવામાં આવતી હતી. મોરબી ખાતે જ કન્સ્યુમર કોર્ટનો પ્રારંભ થતા હવે જિલ્લાવાસીઓને ઘર આંગણે જ ન્યાય મળી રહેશે, રાજકોટ સુધી જવું નહીં પડે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દર ગુરૂવારે કન્સ્યુમર કોર્ટ ખાતે ગ્રાહક તકરારને લગતા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે વી.પી. પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તક્તી અનાવરણ, દીપ પ્રાગટ્ય તેમજ રીબીન કાપીને કન્સ્યુમર કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વી.પી. પટેલ સાથે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) પ્રમુખ પી.સી. રાવલ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) પ્રમુખ કે.એમ. દવે, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) સભ્ય એસ.એમ. ભટ્ટ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સભ્ય ટી.જે. સાંકલા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ મદદનીશ નિયામક કુલદીપ સરવૈયા તથા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ ખાતે પ્રેક્ટિસ કરતા વકીલ ઉપસ્થિત રહ્યા હતા.