મોરબી તાલુકાના કેરાળી ગામના વતની વસંતભાઈ મિયાત્રા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. જેમનુ અકસ્માત થતાં અવસાન થયુ હતુ. વીમા કંપની અને બેંકે વીમો આપવાની ના પાડતા તેમના પુત્રી દિયાબેન મિયાત્રાએ મોરબી શહેર – જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે રૂ.૩૦,૧૦,૦૦૦ (ત્રીસ લાખ દશ હજાર પુરા) ૯ ટકાના વ્યાજ સાથે તા.૨૧-૯-૨૧ થી ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, કેરાળી ગામના વતની વસંતભાઇ મિયાત્રા પોલીસ ખાતામાં નોકરી કરતાં હતાં. જેમનું અકસ્માત થતાં બેભાન અવસ્થામાં મૃત્યુ નીપજ્યું હતું. જેમનો વિમો યુનાઈટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કંપનીમાં હતો. જેનુ પ્રીમીયમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા ભરવામાં આવતુ હતુ. વસંતભાઈ મિયાત્રાના વારસદારોએ વીમા કંપનીને તમામ કાગળો રજુ કર્યા હતા. પરંતુ વીમા કંપની અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ કોઈ કાર્યવાહી કરી નહી અને વીમો ચુકવવાની ના પાડી દીધી હતી. વસંતભાઈની દિકરી દિયાબેન મિયાત્રાએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરી તેમના દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નામદાર ન્યાયમૂર્તિએ નોંધ લીધી કે વીમા કંપની અને બેંકની સેવામાં ખામી રહી છે. તેથી દિયાબેનને રૂા.૩૦,૧૦,૦૦૦ (ત્રીસ લાખ દશ હજાર પુરા) તા.૨૧-૯-૨૨ થી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા તેમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.