મોરબી જીલ્લામાં ગત રાત્રે પડેલા સતત વરસાદને કારણે જીલ્લાની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમ હાલ ૯૦% સુધી ભરાઈ ગયો છે, જેના કારણે મોરબીવાસીઓમાં આનંદનો માહોલ છે. જોકે, સિંચાઈ વિભાગે ડેમની નીચવાસમાં આવેલા અનેક ગામોને સતર્ક રહેવા સૂચના આપી છે. નદીના પટમાં અવરજવર ન કરવા, માલમિલકત તથા ઢોર-ઢાંકરને સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે.
મોરબી જીલ્લામાં ગત રાત્રે સતત વરસેલા ભારે વરસાદના પગલે મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમમાં પાણીની આવક નોંધપાત્ર પ્રમાણમાં વધી છે. વર્તમાન વર્ષે દરવાજાના રિપેરીંગ કામને કારણે ખાલી કરાયેલ આ ડેમ હાલ ૯૦% સુધી ભરાઈ ગયો છે. ડેમની સપાટી ૫૭.૩૦ મીટર (૧૮૭.૯૪ ફુટ) સામે હાલની સપાટી ૫૬.૮૧ મીટર (૧૮૬.૩૮ ફુટ) સુધી પહોંચી છે. કુલ ૮૭.૯૧ MCM ક્ષમતા સામે હાલ ૭૯.૧૩ MCM પાણીનો જથ્થો સંગ્રહિત છે, જે આશરે ૯૦% છે. હાલમાં ઉપરવાસમાંથી પાણીની આવક ૫૨૭૨ ક્યુસેક છે,
ત્યારે સિંચાઈ વિભાગના સેકશન અધિકારી બી.સી. પનારાએ માહિતી આપતા જણાવ્યું કે ડેમની ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા નીચવાસના ગામો જેમાં મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગુંગણ, ગોર ખીજડીયા, માનસર, નવા-જુના સાદુળકા, રવાપર નદી, નારણકા, બહાદુરગઢ, નવા-જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર સહિતના ગામો તથા માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા(મી) અને રાસંગપર ગામના લોકોને નદીના પટમાં ન જવા, માલમિલકત સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ ઢોર-ઢાંકરને નદીના પટમાં ન છોડવા સૂચના આપવામાં આવી છે.