સમગ્ર ગુજરાત સહીત મોરબી જિલ્લામાં શેરીએ-ગલીએ દારૂ વેચાય છે. તે અંગે તો સૌ કોઈ વાકેફ જ છે. અને આને લઈ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના બાદ પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને પગલે ગઈકાલે માળીયા મી. પોલિસ સ્ટેશનનાં સ્ટાફે નવાગામ પાસે રેઇડ કરી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. તેમજ એક આરોપીની અટકાયત કરાઈ છે. જ્યારે એક આરોપી ફરાર છે.
મળતી વિગતો અનુસાર, માળીયા મી. પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, માળીયા મી. નાં નવાગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે ચોક્કસ હકીકતને પગલે પોલીસે સ્થળ પર રેડ કરતા સ્થળ પરથી બાવળના ઝૂડમાં ચાલતા દેશી દારૂનો ધીકતો ધંધો ઝડપાયો છે. તેમજ સ્થળ પરથી પોલીસે રૂ.૧૨૦૦/- ની કિંમતનો ઠંડા આથો તથા રૂ.૧૨૦૦/- ની કિંમતનો ૬૦ લિટર દેશીદારૂ મળી કુલ રૂ.૨૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરી પોલીસે સ્થળ પરથી અવેશભાઇ સુભાનભાઇ કટીયા નામના શખ્સની અટકાયત કરી છે જ્યારે ઇમરાન રાયબ જેડા નામનો શખ્સ સ્થળ પર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.