વાંકાનેરથી ધ્રાંગધ્રા માતાજીના પ્રસંગમાં સ્વીફ્ટ કારમાં જઈ રહેલા વેપારી પરિવારને મોરબીના લાલપર ગામ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં સ્વિફ્ટ કાર બે ડમ્પર વચ્ચે દબાઈ ગઈ હતી. અકસ્માતમાં વેપારી અને તેમના પુત્રને મૂંઢ ઇજા થઈ, જ્યારે વેપારીની પત્ની કારમાં દબાઈ જતા તેણીનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન મૂકી ભાગી ગયો હતો. હાલ તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મોરબી જીલ્લામાં રોડ સલામતીની બેદરકારી ફરીવાર જાનલેવા સાબિત થઈ છે. વાંકાનેરમાં વિવેકાનંદ સોસાયટી પ્લોટ નં.૭૦ માં રહેતા વેપારી ભાવીનભાઈ પ્રવીણભાઈ રાવલ ઉવ.૩૬ ગઈ તા ૦૨/૧૧ ના રોજ પત્ની અને પુત્ર સાથે પોતાની સ્વિફ્ટ ડિઝાયર કાર રજી.નં. જીજે-૩૬-એસી-૯૪૧૩માં માતાજીના પ્રસંગે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામ જઈ રહ્યા હતા. ત્યારે લાલપર નજીક તેમના આગળ ચાલતા ડમ્પરે અચાનક બ્રેક મારતા, પાછળ આવતી કારએ પણ બ્રેક મારવી પડી હતી. જે બાદ પાછળથી આવતા બીજાં ડમ્પર રજી.નં. જીજે-૩૭-ટી-૬૯૪૪ ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી સ્વિફ્ટ કારના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કાર બે ડમ્પર વચ્ચે દબાઈ ગઈ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં વેપારી ભાવીનભાઈ અને તેમના દીકરો નીલને મૂંઢ ઇજા પહોંચી, જ્યારે કારમાં ફસાઈ ગયેલી તેમની પત્ની ધારાબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક પોતાનું વાહન રોડ ઉપર જ મૂકી ફરાર થઈ ગયો હતો. હાલ ઇજાગ્રસ્ત કાર ચાલક ભવિનભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









