હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલકની શોધખોળ.
વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર વધુ એક માર્ગ અકસ્માતની ઘટનામાં પ્રૌઢ દંપતી ખંડિત થયું છે. જેમાં જીનપરા જકાતનાકા નજીક બનેલ અકસ્માતની ઘટનામાં ટ્રકના ચાલકે પોતાનો ટ્રક ગફલતભરી રીતે ફૂલ સ્પીડમાં ચલાવી બાઇકને હડફેટે લેતા, બાઇક ચાલક પતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે પાછળની સીટ ઉપર બેસેલ પત્નીને માથા અને શરીરે ઇજાઓ પહોચતા ઘટના સ્થળે તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
મળતી વિગતો મુજબ, વાંકાનેરના વેલનાથપરામાં રહેતા મૂળ હસનપર ગામના વતની ભરતભાઇ પ્રવીણભાઈ સારલા ઉવ.૩૧ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ટ્રક રજી.નં. જીજે-૧૧-વાય-૯૪૬૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૧૯/૧૧ ના રોજ ફરિયાદીના માતા શારદાબેન અને પિતા પ્રવીણભાઈ પોતાનું બજાજ ડિસ્કવરી મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-ઈએમ-૦૬૬૮ લઈને વાંકાનેરથી હસનપર જી રહ્યા હતા ત્યારે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે જીનપરા જકાતનાકે પહોચતા જ્યાં રોડ ઉપર ફૂલ સ્પીડમાં અને બેદરકારીથી ચલાવીને આવતા ટ્રકે મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલ સવાર શારદાબેનને ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક પ્રવિણભાઈને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









