વાંકાનેરમાં રામચોક શુક્લ શેરી વિસ્તારમાં ધૂળેટીના દિવસે નજીવી બાબતે દંપતિએ શેરીની મહિલાઓ અને બાળકો પર પથ્થરમારો તેમજ લાકડી વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે. આ સાથે હુમલામાં ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત દંપતી દર તહેવારે શેરીમાં આ રીતે ઝઘડા તોફાન કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ, વાંકાનેરના રામચોક શુક્લ શેરીમાં રહેતા ખુશ્બુબેન મહેન્દ્રભાઈ વરસડા ઉવ.૩૧ દ્વારા સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદ મુજબ ગઈકાલ તા.૦૪/૦૩/૨૦૨૬ના રોજ ધૂળેટી પર્વ નિમિત્તે શેરીના સાત-આઠ વર્ષના બાળકો રંગ અને પાણીથી રમતા હતા. તે દરમિયાન શેરીમાં રહેતા આરોપી જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી બાળકોની સાયકલ લઈને પોતાના ઘરે ગયા હતા અને મોબાઇલથી વીડિયો ઉતારી રહ્યા હતા. જે બાદ બાળકોના વાલીઓ સાયકલ બાબતે પૂછપરછ કરવા જતા આરોપી જ્યોતિકાબેન અને તેમના પતિ આરોપી બટુકભાઈ મેઘાણી ઉશ્કેરાઈ ગાળો બોલવા લાગ્યા અને ઘરમાંથી ઇંટ-પથ્થર ફેંકવા લાગ્યા હતા. આ હુમલામાં સાહેદો નિરાલીબેન, સાવત્રીબેન તેમજ શેરીના કેટલાક બાળકોને ઇંટ-પથ્થર વાગતા ઇજાઓ પહોંચી હતી. બાદમાં જ્યોતિકાબેન લાકડી લઈને આવી ફરિયાદી ખુશ્બુબેનના ડાબા પગ પર માર મારતા તેમને મુઢ ઈજા પહોંચી હતી. વધુમાં આરોપી દંપતિ તહેવારો દરમ્યાન અવારનવાર શેરીમાં ઝગડા અને તોફાન કરતા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત મહિલાઓ હોસ્પિટલ ખાતે સારવારમાં જવાની હોય. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી પતિ-પત્ની સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









