મોરબીના માંડલ ગામ નજીક ગૌરક્ષકોએ ત્રણ કસાઈઓના ચુંગાલમાંથી અબોલ પશુને છોડાવ્યું
મોરબીના ગૌરક્ષકોએ માંડલ ગામ નજીકથી ઈકો કારમાં કતલખાને લઈ જવાતી ભેંસ (પાડો)ને બચાવી લીધી છે. આ સાથે મોરબી તાલુકા પોલીસે ઇકો કાર કબ્જે લઈ પકડાયેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પશુપ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબીમાં ગૌરક્ષકોને બાતમી મળેલ કે હળવદથી મોરબી તરફ આવતી એક ઇકો કારમાં અબોલ પશુને કતલખાને લઈ જતા હોય જે હકીકતને આધારે ગૌરક્ષકો દ્વારા આંદરણા ગામ નજીક વોચમાં હોય તે દરમિયાન બાતમી મુજબની ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એફએ-૧૦૬૬ ત્યાંથી પસાર થતા તે ઇકો કારનો જાંબાઝ ગૌરક્ષકો દ્વારા પીછો કરવામાં આવી મોરબીના માંડલ ગામ નજીક ઇકો કારનો ઓવરટેક કરી પકડી લેવામાં આવી હતી. ત્યારે ઇકો કારની તલાસી લેતા તેમાં એક ભેંસ(પાડો)ના હાથ-પગ અને મોઢું ક્રૂરતાપૂર્વક દોરડા વડે બાંધીને કતલખાને લઈ જવાતા અબોલ પશુને તુરંત છોડાવીને માનવતા દાખવી હતી.
સમગ્ર બનાવ બાબતે ગૌરક્ષક કમાન્ડો ફોર્સના મોરબી જીલ્લા અધ્યક્ષ કમલેશભાઈ ભગવાનજીભાઈ બોરીચાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ ભુદરભાઈ ભાલુભાઈ સલાટ (ઉ.૨૭), માલદેવ ભગતભાઈ મદારી (ઉ.૨૨), અને ગેલાભાઈ સેલુભાઈ ઘેરા (ઉ.૨૮) ત્રણેય રહે. હળવદ તાલુકાના કવાડીયા ગામના રહેવાસીની અટકાયત કરી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે ઇકો કાર કબ્જે લઈ ત્રણેય આરોપીઓ સામે ગુજરાત પશુક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.