માળીયા-હળવદ હાઇવે પર ટ્રક ડ્રાઇવરને માર મારી બેટરી તથા રોકડ રકમની લૂંટ અને કાંતીનગરમાંથી મોટર સાયકલ ચોરી કરનાર ગેંગ પોલીસ સંકજામાં.
મોરબી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સોને ઝડપી લઇ બે વણશોધાયેલ ગુનાઓ ઉકેલ્યા હતા. જેમાં ટ્રક ડ્રાઇવરને માર મારી બે બેટરી તથા રોકડ લૂંટનાર અને કાંતીનગરથી હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કરનાર આરોપીઓ પાસેથી રૂ. ૯૩,૫૦૦/-નો મુદામાલ કબજે કર્યો હતો.
મોરબી જીલ્લામાં તાજેતરમાં બનેલ લૂંટ અને વાહનચોરીના બે ગંભીર ગુનાઓનો ભેદ મોરબી ક્રાઇમ બ્રાંચે ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. અગાઉ તા. ૦૭/૦૮/૨૦૨૫ના રોજ હળવદ-માળીયા હાઇવે પર તુલશીવન પેટ્રોલપંપ પાસે એક ટ્રકનું ટાયર ફાટી જતા ડ્રાઇવર કેબિનમાં સૂતો હતો. આ દરમિયાન અજાણ્યા ઇસમોએ ફોર વ્હીલ કારમાં આવી ટ્રકમાંથી બેટરી કાઢવાનું શરૂ કર્યું. ડ્રાઇવરે રોકવાનો પ્રયાસ કરતાં તેને લાકડાના ધોકા વડે માર મારી અને રૂ. ૫,૦૦૦/- રોકડ તથા બે બેટરી મળી કુલ રૂ. ૧૫,૦૦૦/-ની લૂંટ કરી ફરાર થયા હતા. જ્યારે બીજી ચોરીની ઘટનામાં તા. ૧૬/૦૯/૨૦૨૫ના રોજ મોરબી કાંતીનગર ચામુંડા સ્ટોર પાસે રહેતા અસલમભાઈ સંઘવાણીના હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એએસ-૯૭૩૭ મોટર સાયકલ ચોરી થઈ હતી.
ઉપરોક્ત માર મારી લૂંટ, ચોરીના ગંભીર બનાવ અંગે આરોપીઓને પકડી લેવા મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ કાર્યરત હોય તે દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ માહિતીના આધારે એક સફેદ અલ્ટો કાર જીજે-૦૩-સીઆર-૭૯૬૧ અને પ્લેટ વગરનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે ત્રણ શખ્સો પાવડીયારી કેનાલ નજીકથી ઝડપાયા હતા. પુછપરછ દરમિયાન તેમણે ઉપરોક્ત બંન્ને ગુનાઓ કબૂલ કર્યા બાદ તેમને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હવાલે કરાયા હતા. પકડાયેલ આરોપીઓમાં અયુબભાઇ અકબરભાઇ મોવર ઉવ.૨૩, ગુલામહુસેન ઉર્ફે ગુલ્લુ ઉમરભાઇ સમાણી ઉવ.૨૨ તથા આરોપી ઇરફાનભાઇ ઇકબાલભાઇ સંઘવાણી ઉવ.૧૯ ત્રણેય રહે. માળીયા(મી) વિસ્તારના રહેવાસી હોય, આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૩,૫૦૦/-, અલ્ટો કાર કિ.રૂ.૫૦,૦૦૦/-, મોબાઇલ ફોન કિ.રૂ. ૫,૦૦૦/-, ટ્રકની બે બેટરીઓ કિ.રૂ. ૫,૦૦૦/- તથા હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ. ૩૦,૦૦૦/- સહિત ૯૩,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપીની ગુનો કરવાની મોડ્સ ઓપરેન્ડીમાં ત્રણેય આરોપીઓ મોડી રાત્રે અલ્ટો કારમાં ફરી પાર્ક કરેલી ગાડીઓની બેટરી ચોરી કરતા હતા. જો ડ્રાઇવરો પ્રતિકાર કરતા, તો તેઓ લાકડાના ધોકા વડે હુમલો કરીને લૂંટ ચલાવતા. ઉપરાંત, સોસાયટીમાં લોક કર્યા વગર રાખેલ બાઇક ચોરી કરવાની પણ ટેવ ધરાવતા હતા. આ સાથે મોરબી પોલીસે જનતાને અપીલ કરી છે કે રાત્રે વાહનો રસ્તા પર પાર્ક કરવા બદલે હોટલ કે પેટ્રોલપંપના સુરક્ષિત પાર્કિંગમાં રાખવા. ટુ-વ્હીલર હંમેશા હેન્ડલ લોક સાથે સુરક્ષિત રાખવા જેથી આવા લૂંટ તથા ચોરીના બનાવો અટકાવી શકાય.