માળીયા(મી)ના વિરવદરકા ગામે તળાવના કાંઠે બે ઈસમો દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતા હોવાની પૂર્વ બાતમીને આધારે મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા રેઇડ પાડવામાં આવી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉઓરથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૮૦૦ લીટર, ૪૦૦ કિલો અખાદ્ય ગોળ, ભઠ્ઠીના સાધનો સહિત ૩૦ હજારના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળી કે, માળીયા(મી) ના વિરવદરકા ગામે અલ્તાફ હાસંભાઈ મિયાણા ગામના તળાવના કાંઠે બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે, જેથી તુરંત ક્રાઇમ બ્રાંચ ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા આરોપી અલ્તાફ હાશનભાઈ સધવાણી ઉવ.૨૭ તથા આરોપી મકબુલ ગફુરભાઈ સામતાણી ઉવ.૩૦ બંને રહે. વિરવદરકા તા. માળીયા(મી) વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી જ્યારે સ્થળ ઉપરથી ૮૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો કિ.રૂ.૨૦,૦૦૦/-, અખાદ્ય ગોળના ૧૬ નંગ ડબ્બા જેમાં ૪૦૦કિલો ગોળ તેમજ ભઠ્ઠીના સાધન સામગ્રી સહિત ૩૦,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી લઈને બન્ને આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે