માળીયા(મી) તાલુકાના અંજીયાસર ગામની સીમમાં દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર એલસીબી પોલીસ ટીમ દ્વારા રેઇડ કરી ૪૦૦ લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૧૪૦૦ લીટર એમ કુલ ૧.૧૫ લાખનો મુદ્દામાલ પકડી લેવામાં આવ્યો છે, દરોડા દરમિયાન ભઠ્ઠી સંચાલક આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી, આરોપી વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધાવી, આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.
મોરબી એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. હિતેંદ્રસિંહ ચુડસમા, પો.હેડ કોન્સ ચંદુભાઇ કાણોતરા, પો.કોન્સ દશરથસિંહ પરમાર તથા ભગીરથસિંહ ઝાલાને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મહમદહનિફભાઇ કાદરભાઇ ભટ્ટી રહે.માળીયા(મી) દરબારગઢ પાછળ વાળો અંજીયાસર ગામની સીમમાં ખારો તરીકે ઓળખાતી સીમમાં મચ્છુ નદીના કાંઠે જાહેરમાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવે છે તેવી હકીકત આધારે રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી ૧૪૦૦ લીટર દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો ઠંડો આથો તથા ૪૦૦ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ.૧,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી મહમદહનિફભાઇ ભટ્ટી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવવામાં આવી આરોપીની શોધખોળ શરૂ કરી છે.