મોરબી સાયબર ક્રાઇમ પોલીસની તપાસ દરમ્યાસ સાયબર ફ્રોડના નાણા વિવિધ બેંક ખાતા મારફતે સગેવગે કરાતા હોવાનો ભાંડો ફૂટ્યો છે. હળવદ તાલુકાનાં પાંચ ઈસમો દ્વારા કમિશનની લાલચમાં મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી નાણા ટ્રાન્સફર, કેસ વિથડ્રો અને નાણા આંગડિયા પેઢી મારફતે મોકલવામાં આવ્યા હતા. તમામ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા મ્યુલ એકાઉન્ટ્સના ઉપયોગ અંગે ખાસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ગાંધીનગરથી મળેલી બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન આધારિત માહિતીના અનુસંધાનમાં મોરબીમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે હળવદ તાલુકામાં આરોપી હરજીવનભાઈ નરભેરામ પટેલ રહે. કડીયાણા, મુકેશભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહે.કડીયાણા, જગદિશભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહે.કડીયાણા, સાગર ભુદરભાઈ પટેલ રહે.મેરુપર તથા શ્રીપાલસિંહ રહે.સાપકડા વાળા આમ તમામ આરોપીઓ ગેરકાયદેસર સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના ચાલતા રેકેટમાં સામેલ હતા.
સાયબર ફ્રોડથી પીડિત લોકો પાસેથી મેળવવામાં આવેલા નાણા માટે એસબીઆઇ બેંકમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રહેલા એવા મુખ્ય સૂત્રધાર આરોપી શ્રીપાલસિંહે પહેલા આરોપી હરજીવનભાઈને કમિશનની લાલચ આપી તેના ચાર અલગ-અલગ બેંક ખાતામાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવ્યા હતા. ત્યારબાદ આરોપી મુખ્ય સૂત્રધાર શ્રીપાલસિંહે વધુ ૧% કમિશન આપવાની લાલચ આપતા આરોપી હરજીવનભાઈએ અન્ય ઓળખીતાઓના ખાતાઓનો પણ ઉપયોગ કરવા કહ્યું જેમાં આરોપી મુકેશભાઈ, જગદીશભાઈ અને સાગરભાઈના ખાતામાં પણ લાખો રૂપિયાની એન્ટ્રીઓ થવા લાગી. આ તમામ રકમ ચેક દ્વારા વિથડ્રો કરી તે નાણા શ્રીપાલસિંહને સોંપવામાં આવતા અને તેઓ આંગડિયા પેઢી મારફતે અજાણી વ્યક્તિઓને મોકલી આપતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. હાલ પોલીસે તમામ આરોપીઓની પુછપરછ કરતા તેમણે આ ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર વિશે સ્વીકાર કર્યો હોવાનું જણાવ્યું છે. ત્યારે પાંચેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ટીમે આગળની વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.









