મોરબીના ઘુંટુ ગામે કળયુગી પુત્રએ પોતાની સગી માતાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને છરી બતાવી ધાક ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારે બનાવ બાદ માતા ભયભીત થઈ ઘર છોડીને બહાર નીકળી ગઈ હતી. બનાવ અંગે તાલુકા પોલીસે માતાની ફરિયાદને આધારે પુત્ર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબી તાલુકાના ઘુંટુ ગામે રામનગરી સોસાયટી વિસ્તારમાં રહેતા સુમિત્રાબેન પ્રેમજીભાઈ હરજીભાઈ ગોહીલે ઉવ.૪૭ મૂળ ઇંગરોડી ગામ તા.લખતર જી.સુ.નગર વાળાએ મોરબી ટુક પોલીસ મથકમાં પોતાના પુત્ર રોહિત પ્રેમજીભાઈ ગોહિલ સામે ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા.૧૯ માર્ચની રાત્રે તેમનો પુત્ર રોહિત ગોહીલ ઘરે આવી ગંદી ગાળો બોલી તેમને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ત્યારે ભયભીત થયેલ સુમિત્રાબેન ઘર છોડીને અમદાવાદ સ્થિત તેમની બહેનને ત્યાં ગયા હતા. બાદમાં તેઓ પોતાની બહેન સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









