મોરબી તાલુકા પોલીસે રૂ. ૧૫.૧૮ લાખનો મુદામાલ કબ્જે લીધો.
મોરબી તાલુકાના લાલપર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ-૫ માં એબીએસ બિલ્ડ ઇન્ડિયા નામના કારખાનામાં રેઇડ કરતા, જ્યાં પીડીલાઇટ કંપનીની ડુપ્લિકેટ માર્કાવાળી બેગ બનાવી તેમાં ડુપ્લીકેટ મટીરીયલ ભરવાની ગેરકાયદેસર ફેક્ટરી પકડાઈ હતી. જેમાં ડુપ્લીકેટ માર્ક વાળી ખાલી બેગો, મટીરીયલ ભરેલ બેગો, સિલાઈ મશીન સહિત કુલ રૂ. ૧૫.૧૮ લાખના મુદામાલ સાથે મોરબીના બે શખ્સો અને આ બનાવટી બેગો તૈયાર કરનાર એમ ત્રણ આરોપીઓ સામે કોપીરાઇટ એક્ટ તથા ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ કોપીરાઇટ એક્ટ તથા ટ્રેડ માર્ક એક્ટની કલમ મુજબના ગુનામાં ફરીયાદી મલયભાઈ યોગેશભાઈ શાહ ઉવ.૩૫ રહે.અમદાવાદ પાલડી વાળાએ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધિકૃત પ્રતિનિધી તરીકે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી શીરીષભાઈ અમરશીભાઈ ચારોલા ઉવ.૩૪ રહે. કન્યા છાત્રાલય રોડ મારુતિનંદન એપાર્ટમેન્ટ ૩૦૨ મોરબી મૂળ રાજપર ગામ, અનિલભાઈ હરીભાઈ બાવરવા ઉવ.૪૮ રહે. મોરબી જીઆઇડીસી પાછળ ચિત્રકૂટ-૩ મૂળ બરવાળા ગામ તથા આરોપી મયુરભાઈ જયસુખભાઈ સાંગાણી રહે. મહેંદ્રનગર વાળા તેમજ તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ મળી એકબીજાની મદદથી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના નામે નકલી (ડુપ્લિકેટ) ટ્રેડમાર્કવાળી બેગો તૈયાર કરી, કંપનીનું રો-મટીરીયલ ભરી બજારમાં સસ્તા ભાવે વેચાણ કરી કંપનીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે તાલુકા પોલીસે લાલપર ગામની આગળ લાલપર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ-૫ ના પ્લોટ નં. ૨૭ ખાતે એબીએસ બિલ્ડ ઇન્ડિયા કારખાનામાં રેઇડ કરીને પીડીલાઇટ માર્કાની રોફ ટાઇલ એન્ડ સ્ટોન ફિક્સિંગ ૨૦ કિલોની ભરેલી T01 બેગ ૯૦ નંગ, કિ.રૂ. ૬૬,૧૫૦/-, પીડીલાઇટ માર્કાની રોફ કંપની જેવી જ T02 બેગ ૧૯૬૧ નંગ કિ.રૂ. ૧૪,૪૧,૩૩૫/-, T01 ખાલી બેગ ૧૭૦ નંગ, કિ.રૂ.૧,૭૦૦/-, T02 ખાલી બેગ ૧,૨૦૦ નંગ કિ.રૂ. ૧૨,૦૦૦/-, પ્રિન્ટિંગ મશીન કિ.રૂ.૧૦,૦૦૦/-, શિલાઈ મશીન દોરા સાથે કિ.રૂ.૧,૦૦૦/- એમ કુલ ૧૫,૧૮,૪૮૫/-ના મુદામાલ સાથે પોલીસે આરોપી શીરીષભાઈ અમરશીભાઈ ચારોલા તથા આરોપી અનિલભાઇ હરીભાઇ બાવરવાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે જ્યારે ડુપ્લીકેટ બેગ તૈયાર કરી આપનાર આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની શોધખોળ શરૂ કરી છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ તથા ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે









