મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મ્યુલ એકાઉન્ટ મામલે વધુ બે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સાયબર ફ્રોડથી મેળવેલ રૂ. ૨૪.૦૯ લાખથી વધુની રકમ સગેવગે કરાયાનું સામે આવતા પોલીસે બન્ને આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર આરોપી (૧)સંજયભાઇ ખેંગારભાઇ સોલંકી તથા (૨)મનોજ મોહનભાઇ ચૌહાણ બન્ને રહે.રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરા મોરબી વાળા તેમજ તપાસમાં ખુલ્લે તેઓએ પૂર્વ આયોજીત કાવતરું રચી સાયબર ફ્રોડ અને છેતરપીંડીથી મેળવેલ નાણા સગેવગે કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેમાં આરોપી સંજયભાઇ ખેંગારભાઇ સોલંકીના નામે પંજાબ નેશનલ બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ. ૨૪,૦૯,૧૫૦/- જમા કરાવવામાં આવ્યા હતા. આ બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડથી પ્રાપ્ત નાણાં ઉપાડવા માટે કરવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપી મનોજ મોહનભાઇ ચૌહાણે અન્ય સાગરીતો સાથે મળીને બેંક કિટ પોતાના કબજામાં રાખી ચેક તથા એટીએમ મારફતે નાણા ઉપાડી સગેવગે કર્યા હતા. જ્યારે એકાઉન્ટ ધારકને કમિશન પેટે રૂ. ૧૦,૦૦૦/- આપીને આ ગેરકાયદેસર પ્રવૃતિ ચલાવવામાં આવી હોવાની વિગતો સામે આવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસના પીએસઆઇ. વાય.પી.વ્યાસ દ્વારા ચલાવવામાં આવી છે.









