વિશ્વ હિન્દુ પરિષદની લેખિત રજૂઆત બાદ મનપાની કાર્યવાહી.
મોરબીમાં તા.૧૫/૦૨/૨૦૨૬ના રોજ મહાશિવરાત્રી નિમિત્તે કતલખાનાં અને માંસ-મટન વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં નોનવેજની બે દુકાનો ચાલુ રાખવામાં આવી હતી. આ અંગે થયેલી લેખિત રજૂઆતના આધારે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું અને બંને દુકાનદારો સામે સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો છે.
મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તા.૧૩/૦૨/૨૦૨૬ના રોજ જાહેરનામું બહાર પાડીને તા.૧૫/૦૨/૨૦૨૬ના મહાશિવરાત્રી પર્વ નિમિત્તે તમામ પ્રકારના કતલખાનાં બંધ રાખવા તેમજ માંસ, મટન, ચિકન અને મચ્છીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. છતાં કેટલાક વેપારીઓ દ્વારા જાહેરનામાનો ભંગ કરાયો હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મોરબીના પ્રમુખ કમલેશભાઈ બોરીચા દ્વારા મહાનગરપાલિકામાં લેખિત અરજી આપવામાં આવતા પાલિકા તંત્રએ તપાસ હાથ ધરી હતી.
જેમાં પ્રથમ બનાવમાં મોરબીના શક્તિ ચોક પાસે આવેલી ‘સરકાર બાવા અહમદશાહ’ નામની દુકાન તા.૧૫/૦૨/૨૦૨૬ના રોજ ખુલ્લી રાખી માંસ અને મટનનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ક્લાર્ક દિલિપસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે બીજા બનાવમાં જૂના બસ સ્ટેશન નજીક અયોધ્યાપુરી મેઈન રોડ પર રૂદ્રાક્ષ પ્લાઝામાં આવેલી ‘ન્યૂ યાદગાર કેટરર્સ’ નામની દુકાનમાં પણ પ્રતિબંધ હોવા છતાં માંસ-મટનનું વેચાણ ચાલુ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના શાખા અધ્યક્ષ અનુરાગભાઈ યોગેશભાઈ સંતોકી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંને ફરિયાદોના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપી નોનવેજ દુકાનદાર વિરુદ્ધ જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









