રાહત અને બચાવ કામગીરી માટે પોલીસ, ફાયરબ્રિગેડ, મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે
તાલુકાના રંગપર ગામ નજીક આવેલા ગ્રીસ સીરામીક નામના કારખાનામાં માટી ભરેલા સાઈલો (કોઠીઓ) નમી જતા 1 મહિલા સહિત 3 લોકો નીચે દબાયા હોવાના બનાવને લઈને તાલુકા પોલીસ, મામલતદાર, ફાયરબ્રિગેડ સહિતનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો છે. રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી જાણવા મળે છે.
રંગપર ગામમાં રાજા પ્લાઝાની બાજુમાં આવેલ ગ્રીસ સીરામીક નામના યુનિટમાં આજે ઢળતી બપોરે સાઈલો (સૂકી માટી સંઘરવાની કોઠીઓનું બનાવેલું સ્ટ્રક્ચર) કોઈ કારણોસર નમી જતા 1 મહિલા સહિત કુલ 3 લોકો તેની નીચે દબાઈ ગયા છે. સાઈલો નમતા અન્ય 2-3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે.બનાવની જાણ થતાં જ સીરામીક એસોસિએશનના હોદ્દેદારો પણ ઘટના સ્થળે મદદ માટે ઘસી ગયા છે. આસપાસની ફેકટરીઓમાંથી હેવી મશીનરી, જેસીબી, લોડર સહિતના સાધનોની મદદથી નમી ગયેલા સ્ટ્રક્ચરને ઉપાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ દબાઈ ગયેલા ત્રણ પૈકી એક વ્યક્તિ ફેકટરીના ભાગીદાર હોવાનું જાણવા મળેલ છે. નમી ગયેલા સ્ટ્રક્ચરમાં માટી ભરેલી 10થી 12 કોઠી છે. જેમાં દરેક કોઠીમાં અંદાજે સાઇઠેક ટન જેટલું વજન હોય બચાવ કામગીરીમાં સમય લાગી શકે છે. દબાયેલા ત્રણ પૈકી એક વ્યક્તિના માત્ર હાથ જ બહાર દેખાઈ રહ્યા હોવાનું ઘટના સ્થળે ઉપસ્થિત જવાબદાર વ્યક્તિએ જણાવ્યું હતું. રાહત અને બચાવ કામગીરી મોડી રાત સુધી ચાલનાર હોય તમામ સ્ટ્રક્ચર હટાવ્યા બાદ પરિસ્થિતિનો સાચો ખ્યાલ આવશે.