ટંકારા ઓરપેટ મહિલા કોલેજમાં ABVP દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિતે સંગોષ્ઠિ કાર્યક્રમ અન્વયે બહેનોને રાણી લક્ષ્મીબાઈના જીવનચરિત્ર સાથે સાયબર સુરક્ષા અને આત્મરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ટંકારા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ૨૦ નવેમ્બરના રોજ રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓરપેટ મહિલા કોલેજમાં યોજાયેલી આ સંગોષ્ઠિમાં રાણી લક્ષ્મીબાઈના જીવનસંઘર્ષ, પરાક્રમ અને દેશભક્તિના પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા હતા. છાત્રાઓને પ્રેરણાદાયક જીવનચરિત્ર દ્વારા વીરાંગનાના સાહસિક ગુણો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત બહેનોને સાયબર અવેરનેસ તેમજ આત્મરક્ષણ સંબંધિત માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવ્યું હતું. આજના ડિજિટલ યુગમાં વધતા સાયબર ખતરાઓને ધ્યાનમાં રાખી, ઓનલાઈન સુરક્ષા, સોશિયલ મીડિયા સેફટી, ઠગાઈથી બચવાની પદ્ધતિઓ અને આકસ્મિક પરિસ્થિતિઓમાં કેવી રીતે પોતાનું રક્ષણ કરવું તે અંગે મહત્વપૂર્ણ માહિતી છાત્રાઓને સમજાવવામાં આવી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક વિજયભાઈ રાવલ, ટંકારા મહિલા પોલીસ ટીમ તથા ABVP રાજકોટ વિભાગ સંગઠન મંત્રી જયદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન દ્વારા છાત્રાઓને આત્મવિશ્વાસ સાથે સજ્જ થવા અને સાયબર જગતમાં સાવચેત રહેવા પ્રેરણા મળી હતી.









