મોરબી સાયબર ક્રાઈમ પોલીસે સાયબર ફ્રોડના મોટા નેટવર્ક સામે કાર્યવાહી કરી છે. જેમાં અલગ અલગ લોકો પાસેથી સાયબર ફ્રોડ તથા છેતરપીંડીથી મેળવેલા નાણાં બેન્ક એકાઉન્ટ મારફતે ઉપાડી સગેવગે કરવામાં આવ્યા હતા. આ કેસમાં એક સગીર સહિત કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. હાલ મોરબી સાયબર ક્રાઇમ પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં આરોપી (૧)કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઉવ.૧૭, (૨)ચેતનસિંહ રવિંદ્રસિંહ ચૌહાણ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ, મોરબી, (૩)મુસ્તાક હારુનભાઈ રાવમા બી-૭ બ્લોક નં. ૧૦૨ પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ મોરબી, (૪)સંજયભાઈ રાજપુત રહે.ઝુન ઝુનુ રાજસ્થાન, (૫)નિકુંજ પ્રવિણભાઈ દસલાણીયા રહે. ઉમિયાનગર ચિત્તલરોડ બાબરા જી. અમરેલી હાલ રહે. ફ્લેટ નં. ૨૦૧ હિરેનભાઈ દલસુખભાઈ સેલડીયાના મકાનમા શ્રીનાથદ્વાર એપાર્ટમેન્ટ ગૌશાળા સર્કલ, વરાછા સુરત, (૬)જયદેવ ભરતભાઈ કરથીયા રહે. ગ્રીનચોક કંસારા શેરી મોરબી તથા (૭)રક્ષીત કલ્પેશભાઈ કુવરીયા રહે. મોરબી ક્રિષ્નાસ્કુલ રવાપર રેસિડેન્સી ભીમનાથ એ બ્લોક નં. ૪૦૧ વાળા તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં જાહેર કર્યા મુજબ, તા. ૧૧/૦૩/૨૦૨૫ થી તા. ૩૦/૦૪/૨૦૨૫ દરમિયાન મોરબી શહેરની અલગ અલગ બેન્કોની બહાર અને બેન્ક એકાઉન્ટ મારફતે આ સાયબર ગુનાખોરી કરવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત તમામ આરોપીઓએ પૂર્વ આયોજનબદ્ધ રીતે ગુનાહિત કાવતરું રચ્યું હતું. અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ અને છેતરપીંડી દ્વારા મેળવેલ નાણાં સગેવગે કરવા માટે આરોપીઓએ ૩-૩ ટકા કમિશનની લાલચ આપી નિકુંજ પ્રવિણભાઈ દસલાણીયા, જયદેવ ભરતભાઈ કરથીયા અને રક્ષિત કલ્પેશભાઈ કુવરીયા જેવા એજન્ટોને નિમ્યા હતા. આ એજન્ટોના બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ. ૨૦,૮૧,૩૪૭/-ની રકમ જમા કરાવી બાદમાં ચેક અને એ.ટી.એમ. મારફતે ઉપાડી લેવામાં આવી હતી. આ રીતે ઉપાડવામાં આવેલા નાણાં સાયબર ફ્રોડના હોવાનું જાણતા હોવા છતાં આંગડીયા પેઢી સહિતના માધ્યમોથી આગળ મોકલી સગેવગે કરવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓએ એકબીજાની મદદગારી કરી આર્થિક લાભ મેળવી સાયબર ગુનાખોરી આચરી હતી. હાલ સાયબર ક્રાઇમ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









