અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 340 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 430 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે મોરબી જિલ્લાની સગર્ભા મહિલાઓની યાદી તૈયાર કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આગાહીના દિવસો દરમિયાન પ્રસૂતિનો સમય નજીક આવતો આવતો હોય તેવી સગર્ભા મહિલાઓની મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકાની ૯૪, વાંકાનેર તાલુકાની ૪૦,હળવદ તાલુકાની ૩૦,ટંકારા તાલુકાની ૧૪ અને માળીયા મી. તાલુકાની ૧૧ સગર્ભા મહિલાઓ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આશા બહેનોને સગર્ભા મહિલાઓનું ફોલોપ લેવાની કામગીરી પણ સીંપી દેવામાં આવી છે. તેમજ સગર્ભા મહિલાઓ માટે જિલ્લામાં ૧૬ એમ્બ્યુલન્સ સાથે પાંચ રેપિડ રિસ્પોન્સ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં હળવદમાં ૩, માળીયામાં ૨, મોરબીમાં ૭, ટંકારામાં ૧, વાંકાનેરમાં ૩ મળી કુલ ૧૬ એમ્બ્યુલન્સ તૈનાત કરી દેવાઈ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.